યુકેમાં એનર્જી બચાવવા રાત્રે સ્ટ્રીટ લાઈટ્સના બ્લેક આઉટની શક્યતા

જર્મનીમાં જાહેર ઈમારતોમાં એર કંડિશનિંગ અને ગરમ પાણીનો ઉપયોગ બંધ

Wednesday 03rd August 2022 02:57 EDT
 
 

લંડનઃ એનર્જી કટોકટી વધી રહી છે ત્યારે બ્રિટનમાં પણ જર્મનીની માફક રાત્રે સ્ટ્રીટ લાઈટ્સના બ્લેક આઉટની શક્યતા જણાય છે. વીજળીને બચાવવા સ્ટ્રીટ લાઈટ્સ ધીમી કે મંદ કરી શકાય અથવા સ્વીચ ઓફ કરી શકાય તેમજ જાહેર ઈમારતોમાં સેન્ટ્રલ હીટિંગના ઉપયોગમાં કાપ મૂકી શકાય છે.

જર્મનીના બર્લિનના કેથેડ્રલ, ઓલ્ડ પેલેસ અને ચાર્લ્ટનબર્ગ પેલેસ સહિત આશરે 200 ઐતિહાસિક સ્મારકો અને મ્યુનિસિપલ બિલ્ડિંગ્સ પરની રાતની ઝાકમઝોળ રોશનીના બદલે અંધારપટ છવાઈ ગયો છે. યુકેના કેટલાક વિસ્તારો પણ બર્લિનના પગલે ચાલે તેવી શક્યતા છે. રશિયાની સરકારી ગેસ સપ્લાયર કંપની ગાઝપ્રોમે જર્મનીમાંથી યુરોપમાં પસાર થતી નોર્ડ સ્ટ્રીમ 1 પાઈપલાઈનનો ગેસપ્રવાહ બંધ કરી દીધાં પછી હેનોવરમાં પાણીના ફૂવારા પણ સૂકાઈ ગયા છે. જોકે, યુકે પણ આવાં જ પગલાં લે તો નજીવો ફરક પડી શકે તેમ નિષ્ણાતો કહે છે. એનર્જી કટોકટીના કારણે યુકેમાં બિઝનેસીસ ચલાવવાનો ખર્ચ પણ પાંચથી સાત ગણો વધી શકે તેમ છે.

જર્મનીના હેનોવરમાં જાહેર ઈમારતો, સ્વિમિંગ પૂલ્સ અને જીમ્સમાં ગરમ પાણી બંધ કરી દેવાયું છે. ઓક્ટોબરથી માર્ચના ગાળામાં પાણીને મહત્તમ 20°C ગરમ કરવાની છૂટ અપાશે. મોબાઈલ એર કંડિશનિંગ યુનિટ્સ અને ફેન હીટર્સ પણ પ્રતિબંધિત કરી દેવાયા છે. મ્યુઝિયમ્સમાં લાઈટો બંધ કરી દેવાઈ છે. વેઈમાર, મેઈન્ઝ સહિતના શહેરોમાં સ્ટ્રીટ અને ટ્રાફિક લાઈટ્સનો ઉપયોગ અડધો કરી દેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter