લંડનઃ યુક્રેન કટોકટીના કારણે સરકારે એનર્જી રેશનિંગની યોજના તૈયાર રાખવી જોઈએ તેવા લેબર પાર્ટીના સૂચનને ફગાવતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું હતું કે યુકે ઓઈલ અને ગેસનું રેશનિંગ નહિ કરે.
પશ્ચિમી દેશો રશિયન હાઈડ્રોકાર્બન્સ તરફથી મોં ફેરવી રહ્યા છે ત્યારે લેબર પાર્ટી દ્વારા એનર્જી રેશનિંગની તૈયારી રાખવા સરકારને સૂચન કરાયું હતું. ગ્રાન્ટ શાપ્સે બીબીસી સમક્ષ કહ્યું હતું કે આપણે આ માર્ગે આગળ વધવા માગતા નથી. સરકારના અભિગમમાં એનર્જી રેશનિંગનો સમાવેશ થતો નથી. અગાઉ, શેડો બિઝનેસ અને એનર્જી સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે કહ્યું હતું કે સરકારે યુકેમાં એનર્જી સપ્લાયના રેશનિંગ માટે વિચારવું જોઈએ. આના પરિણામે ફોસિલ ફ્યૂલ માટે એક કે અન્ય એકાધિકાર સરકારો પાસે ખરીદીને ટાળી શકાશે. તેમણે કહ્યું હતું કે આપણી પાસે નોર્વે જેવા દેશો પાસેથી જે પુરવઠો અથવા પ્રવાહી કુદરતી ગેસ આવે છે તે મુખ્યત્વે રશિયન જ હોય છે જે સેન્ટ્રલ યુરોપના દેશોની જરૂરિયાતો પૂર્ણ કરે છે.
વડા પ્રધાન જ્હોન્સને મિડલ ઈસ્ટની મુલાકાતમાં સાઉદી અરેબિયા અને ઓપેકના અન્ય દેશોને ઓઈલ ઉત્પાદન વધારવા અપીલ કરી હતી જેથી રશિયન ઉત્પાદનની ઘટને પૂરી શકાય. આ પછી, જહોન્સને આઈરિશ સમુદ્રમાં વિશાળ તરતા વિન્ડ ફાર્મ્સ માટે પણ હાકલ કરી હતી. જોકે, આ ઓફશોર અને ઓનશોર વિન્ડ ફાર્મ્સ મુદ્દે કેબિનેટમાં મતભેદો છે. શાપ્સે ખુદ તેઓ ઓનશોર વિન્ડ ફાર્મ્સની તરફેણ કરતા નહિ હોવાની સ્પષ્ટતા કરી છે.

