યુકેમાં ઓમિક્રોનઃ સાવચેત નર સદા સુખી

Thursday 16th December 2021 05:38 EST
 
 

લંડનઃ યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન આપ્યું છે. જ્હોન્સને ઓમિક્રોનને હળવાશથી નહિ લેવા અને સાબદા રહેવા દેશવાસીઓને અપીલ કરી છે. દરમિયાન, યુકેમાં રવિવારે ઓમિક્રોનના વધુ ૧,૨૩૯ કન્ફર્મ કેસ નોંધાયા હતા અને આ સાથે કુલ કેસનો આંક વધીને ૩,૧૩૭ થયો હતો. શનિવારના કુલ કેસીસ ૧,૮૯૮માં ૬૫ ટકાનો વધારો થયો હતો. યુકેના ચીફ મેડિકલ ઓફિસરોએ કોવિડ એલર્ટનું લેવલ વધારવા ભલામણ કર્યા પછી દેશ માટે એલર્ટલેવલ ૩થી વધારીને ૪ કરાયું છે, જે સર્વોચ્ચ લેવલ-પથી માત્ર એક કદમ નીચે છે. દરમિયાન, સ્કોટલેન્ડ અને વેલ્સ પણ સખત નિયંત્રણો લાદવાની શક્યતા ચકાસી રહ્યા છે. બીજી તરફ, જ્હોન્સન ઈંગ્લેન્ડ માટે વધુ નિયંત્રણો બાબતે કોઈ ખાતરી આપી શક્યા નથી. વડા પ્રધાને રવિવારે ટીવી સંબોધનમાં કહ્યું હતું કે આ વર્ષના અંત - ૩૧ ડિસેમ્બર સુધીમાં યુકેના ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપી દેવાશે.

આનો અર્થ દરેકને બૂસ્ટર ડોઝ આપી દેવાશે કે તેની ઓફર માત્ર કરાશે તેના વિશે હજુ સ્પષ્ટતા નથી. અતિ મહત્ત્વાકાંક્ષી પગલાંમાં વડા પ્રધાન બૂસ્ટર ડોઝ આપવાની સમયમર્યાદા આગળ લાવ્યા છે.
ઓમિક્રોનને હળવાશથી ન લેશોઃ બોરિસ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે સુપર મ્યુટન્ટ ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ હવે હોસ્પિટલમાં જઈ રહ્યા છે અને લોકો માટે બૂસ્ટર ડોઝ લેવો તે જ સૌથી સારી બાબત છે. દક્ષિણ આફ્રિકાના અહેવાલો અનુસાર ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોન હળવો હોવાં છતાં, વડા પ્રધાને લોકોને ઓમિક્રોનને હળવાશથી નહિ લેવા જણાવ્યું હતું. વડા પ્રધાન જ્હોન્સને વેસ્ટ લંડનના પેડિંગ્ટન નજીક વેક્સિનેશન કલિનિકની મુલાકાત લીધી તે વેળાએ ઓમિક્રોનથી એક પેશન્ટનું મોત થયાની જાણકારી આપી હતી. વડા પ્રધાને મૃતક વ્યક્તિની વય અથવા તેને ગંભીર આરોગ્ય સમસ્યા હતી કે કેમ તેના વિશે કશું કહ્યું ન હતું. જોકે, નિષ્ણાતોએ મૃતકના વેક્સિનેશન સ્ટેટસ, તેમજ કોવિડ માટે અસલામત ગણાયેલા જૂથનો હિસ્સો હતો કે કેમ તેની જાણકારી માગી હતી.
બૂસ્ટર ડોઝ કેમ્પેઈનની અરાજકતા
સરકારે ઓમિક્રોન સંક્રમણમાંથી લોકોને બચાવવા મહત્ત્વાકાંક્ષી બૂસ્ટર ડોઝ કેમ્પેઈન શરુ કરી છે પરંતુ, પહેલા જ દિવસે બૂસ્ટર ડોઝ લેવા લોકોને લાંબી લાઈનોમાં ચારથી પાંચ કલાક ઉભાં રહેવું પડ્યું હતું. બીજી તરફ, બુકિંગના ભારે ધસારાના લીધે NHSની વેબસાઈટ ક્રેશ થઈ હતી અને મહત્ત્વના લેટરલ ફ્લો ટેસ્ટ ખલાસ થઈ જતાં અરાજકતા ફેલાઈ હતી. વેબસાઈટની અરાજકતા મધ્યે ૪.૪ મિલિયનથી વધુ લોકોએ પોતાના માટે વેક્સિન સ્લોટ બુક કરાવવા દોડાદોડી કરી હતી પરંતુ, માત્ર ૫૪૫,૦૦૦ લોકોને સ્લોટ ફાળવી શકાયો હતો અને વેબસાઈટ ક્રેશ થઈ હતી. માર્ચ મહિનામાં NHS દ્વારા વેક્સિન અભિયાન ચલાવાયું ત્યારે પણ દૈનિક ૮૫૦,૦૦૦ વેક્સિન આપવાથી પણ આગળ જઈ શકાયું ન હતું. હવે દૈનિક ૧,૦૦૦,૦૦૦ વેક્સિનનું નવું લક્ષ્યાંક હાંસલ કેવી રીતે કરી શકાશે તેવો પ્રશ્ન ઉભો થાય છે.
કોવિડ પાસપોર્ટ વિના ૧૦,૦૦૦ દંડ
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ચેતવણી આપી છે કે જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ વેક્સિનેટેડ સ્ટેટસ હાંસલ કરવા માટે લોકોએ બૂસ્ટર સહિત વેક્સિનના ત્રણ ડોઝ મેળવી લેવા જરૂરી રહેશે. બુધવાર સવારથી નાઈટ ક્લબ્સ તેમજ મોટા કાર્યક્રમોના સ્થળે પ્રવેશ મેળવવા લોકોએ બે ડોઝ લીધાનું અથવા નેગેટિવ લેટરલ ફ્લો ટેસ્ટનું પ્રૂફ દર્શાવવું પડશે. વિવાદાસ્પદ કોવિડ પાસપોર્ટ મેળવવો પડે તેવી શક્યતા છે. નવા કાયદા અનુસાર આવા કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા કોવિડ પાસ કે ટેસ્ટ રિઝલ્ટની બનાવટી સાબિતી ઉભી કરનારે ૧૦,૦૦૦ પાઉન્ડનો દંડ ભરવાનો થશે. જોકે, હેલ્થ સેક્રેટરી નવા ફેરફાર ક્યારથી અમલી બનશે તેની સ્પષ્ટતા કરી શક્યા ન હતા.
માર્ચ પછી પહેલી વખત હાઈએસ્ટ એલર્ટ
યુકેના ઓમિક્રોન રોગચાળાના કેસીસમાં એક જ દિવસમાં ૫૦ ટકાનો ઉછાળો આવ્યા પછી સમગ્ર NHS Englandને માર્ચ મહિના પછી પહેલી વખત સર્વોચ્ચ એલર્ટના સ્તરે મૂકી દેવાયું છે. NHS દૈનિક એક મિલિયન લોકોને વેક્સિન ડોઝ આપવાના અભિયાનમાં લાગી ગઈ છે ત્યારે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે હિપ રિપ્લેસમેન્ટ જેવી પસંદગીની સર્જરીની રાહ જોતા પેશન્ટ્સની સારવાર મુલતવી રાખવી પડશે. જોકે, કેન્સર પેશન્ટ્સ માટેની ક્રિટિકલ કેરને કોઈ અસર થશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter