યુકેમાં ઓમિક્રોનથી ૭૫,૦૦૦ મોતનું જોખમ

Wednesday 15th December 2021 06:17 EST
 

લંડનઃ કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ સંજોગોમાં લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) તેમજ દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે જો તકેદારી નહિ રખાય તો ઓમિક્રોન વેરિએન્ટના કારણે એપ્રિલ મહિના સુધીમાં બ્રિટનમાં ૨૫,૦૦૦થી ૭૫,૦૦૦ લોકોના મોત થઈ શકે છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિએન્ટથી હજારો લોકોના મોતને અટકાવવા માટે પ્લાન ‘સી’ જરૂરી બનશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેશમાં ત્રીજી લહેરની આશંકા દર્શાવવા સાથે આકરા પ્રતિબંધ લાગુ કરી દીધા છે.

અન્ય દેશોના મુકાબલે બ્રિટનમાં આ વાઈરસ ભારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુકેમાં ૨૭ નવેમ્બરે પહેલો ઓમિક્રોન કેસ નોંધાયો હતો. આ પછી રોજ આ વેરિએન્ટના નવા ૬૦૦થી વધારે કેસ સામે આવી રહ્યા છે અને આ આંકડો હજી વધી રહ્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે, જો વેક્સિનનો બૂસ્ટરનો હાઈ ડોઝ પ્રભાવશાળી રહે તો પણ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા સંક્રમિતોના ૬૦ ટકા સુધી પહોંચી શકે છે.

અભ્યાસના ડેટા મુજબ ગંભીર ચિત્ર એવું છે કે સંક્રમણની નવી લહેર દરરોજ ૨૦૦૦થી વધુ કેસ હોસ્પિટલમાં એડમિટ કરાવશે અને તેની કુલ સંખ્યા૧૭૫,૦૦૦ના આંકડે પહોંચશે. આ વર્ષની પહેલી ડિસેમ્બરથી ૩૦ એપ્રિલ, ૨૦૨૨ સુધીમાં ૨૪,૭૦૦ મોત થઈ શકે છે. જોકે, વર્તમાન પ્લાન બીના નિયંત્રણોથી વધારાના પગલાં નહિ લેવાય તો આમ થઈ શકે છે.

વિજ્ઞાનીઓએ સલાહ આપી છે કે ઈન્ડોર હોસ્પિટાલિટી પર નિયંત્રણો, કેટલાક મનોરંજન સ્થળો બંધ કરાવી દેવા તેમજ એક સ્થળે એકત્ર થનારા લોકોની સંખ્યા પર નિયંત્રણ લાદવા સહિતના અંકુશાત્મક પગલાં ઓમિક્રોન લહેરને ગણનાપાત્ર રીતે કાબુમાં લાવવા પૂરતાં થઈ રહેશે. આના પરિણામે હોસ્પિટલમાં એડમિશનની સંખ્યા ઘટીને ૫૩,૦૦૦ અને મૃત્યુઆંક ઘટીને ૭,૬૦૦ સુધી આવી શકે. સંશોધકોએ એવી ચેતવણી પણ આપી છે કે માસ્ક પહેરવા, ઘેર રહીને કામ કરવું, અને બૂસ્ટર ડોઝ આપવાનું પૂરતું નહિ ગણાય. તેમણે આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં દૈનિક ૨૪૦૦ના ધોરણે હોસ્પિટલ એડમિશન્સ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter