યુકેમાં ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2ના ૪૨૬ સંક્રમિત કેસ

Wednesday 26th January 2022 04:34 EST
 

લંડનઃ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણની તીવ્ર લહેર જોવાં મળે છે ત્યારે યુકેમાં ઓમિક્રોનનો પણ સબ-વેરિએન્ટ દેખાયો છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના જણાવ્યા મુજબ જાન્યુઆરીના પ્રથમ ૧૦ દિવસમાં ઓમિક્રોન BA.2 વેરિએન્ટના ૪૨૬ કેસ નોંધાયા છે જેમાં, લંડનમાં સૌથી વધુ ૧૪૬ અને સાઉથ ઈસ્ટમાં ૯૭ કેસનો સમાવેશ થયો છે.

વિશ્વભરના સંશોધકો-વિજ્ઞાનીઓ કોરોના ઓમિક્રોન વાઇરસના મ્યુટેશન્સ પર ચાંપતી નજર રાખી રહ્યા છે ત્યારે બ્રિટનમાં ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ BA.2 નોંધાયો હોવાથી ચિંતામાં વધારો થયો છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું છે કે યુકેમાં ઓમિક્રોનના મૂળ વેરિએન્ટ BA.1ના કેસની સંખ્યા સૌથી વધુ અને BA.2 વેરિએન્ટના કેસની સંખ્યા ઓછી છે.

આંતરરાષ્ટ્રીય ડેટા મુજબ આ વેરિયન્ટનું સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે. UKHSAમુજબ ભારત, ડેન્માર્ક તથા સ્વીડન સહિત ૪૦ દેશોમાં હાલમાં નવા ઓમિક્રોન કેસીસમાં સબ-વેરિએન્ટ BA.2 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. અત્યાર સુધી ૪૦ દેશોએ BA.2 સિકવન્સના ૮,૦૪૯ સેમ્પલ્સ ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝા ડેટા (GISAID)માં અપલોડ કર્યા હોવાથી નવા વેરિએન્ટના ઉદ્ભવ વિશે સ્પષ્ટતા થઈ નથી. જોકે, પ્રથમ સિકવન્સ ફિલિપાઈન્સથી અપલોડ કરાઈ હતી. ભારતથી ૫૩૦ અને ડેનમાર્કથી સૌથી વધુ ૬,૪૧૧ સેમ્પલ અપલોડ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter