લંડનઃ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ડેમ જેની હેરિસે ચેતવણી આપી છે કે જો લોકો મોટી સંખ્યામાં રસી નહીં મૂકાવે તો યુકેના મોટાભાગના પ્રદેશોમાં ઓરીનો રોગચાળો ઝડપથી પ્રસરવાની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં ઓરીની રસીનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરાયેલ સ્તરથી ઘણું નીચું છે. ઓરીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકોને રસી આપી શકાય તે માટે પોપ-અપ ક્લિનિકો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ઓરી ઝડપથી ફેલાતો ચેપી રોગ છે.
તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો તાકિદે પગલાં લેવામાં નહીં આવે તો ઓછો વેક્સિન દર ધરાવતા શહેરો અને નાના ટાઉનમાં ઓરીનો રોગચાળો વકરી શકે છે. .વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્થિતિ ખરાબ છે પરંતુ આપણે સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને પગલાં લેવાની જરૂર છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ ઓરીના રોગચાળાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કર્યો છે જેથી તેના પ્રસારને રોકવા માટે વધુ રિસોર્સ ફાળવી શકાય. લંડનના કેટલાક વિસ્તારોમાં 50 ટકા બાળકોને ઓરીની રસી અપાઇ નથી. યુકેમાં અગાઉ ઓરી સંપુર્ણપણે નાબૂદ થઇ ગઇ હતી પરંતુ હવે વેક્સિન રેટમાં મોટો ઘટાડો થતાં તેનો પ્રસાર વધવા લાગ્યો છે.


