લંડનઃ યુકેના પુરુષોના પ્રભુત્વ હેઠળના કાનૂની વ્યવસાયમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ત્રણ ગણા દરે વધી રહી છે. લો સોસાયટી દ્વારા જાહેર તાજા આંકડા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 153,282 સોલિસીટર્સ પ્રેક્ટિસ કરે છે જે ગયા વર્ષ કરતાં બે ટકાનો વધારો દર્શાવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ પ્રેક્ટિસ કરતા સોલિસિટર્સમાં 53 ટકા સભ્ય મહિલા છે. ગત 25 વર્ષમાં યુકેમાં કાનૂની પ્રેક્ટિસ કરનારાની સંખ્યા બમણી થઈ છે. આનો અર્થ એ છે કે યુએસએમાં પ્રવર્તમાન વળતરની સંસ્કૃતિના પગલે યુકે પણ ઝડપથી કાનૂની દાવાદૂવીઓમાં રાચતું થઈ ગયું છે.
વર્ષ 2013માં 60,000થી વધુ મહિલા સોલિસિટર તરીકે કાર્યરત હતી અને હાલ સંખ્યા વધીને લગભગ 81,000 થઈ છે. આની સરખામણીએ વર્ષ 2013માં આશરે 66,000પુરુષ સોલિસિટર પ્રેક્ટિસ કરતા હતા અને આજે તેમની સંખ્યા 72,000 જેટલી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રેક્ટિસ કરતા બેરિસ્ટર્સની સંખ્યા આશરે 17,200 છે અને જે માત્ર પાંચ વર્ષમાં 5 ટકાનો વધારો દર્શાવે છે. લો સોસાયટીના વાર્ષિક આંકડાકીય રિપોર્ટ મુજબ પ્રેક્ટિસ કરનારા 18 ટકા સોલિસિટર્સે વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતા હોવાનું જણાવ્યું છે.
સંશોધકો અનુસાર કેટલાક વર્ષોથી સોલિસિટર્સ બની રહેવામાં સ્ત્રીઓ પુરુષોથી ઘણી આગળ વધી છે. એક્સ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર રિચાર્ડ મૂરહેડે જણાવ્યું હતું કે આનું એક કારણ એ છે કે લો સ્કૂલમાં પ્રવેશતી મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ હોંશિયાર અને સખત મહેનત કરવા તૈયાર હોય છે.
ગત બે દાયકામાં કોર્પોરેટ સેક્ટરમાં પણ લીગલ ડિપાર્ટમેન્ટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે. કોર્પોરેશન્સ અને અન્યત્ર ઈન-હાઉસ કામ કરતા સોલિસિટર્સનું પ્રમાણ વધીને વ્યવસાયના 25 ટકા જેટલું થયું છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સની લો યુનિવર્સિટીઓમાંથી કાયદાની પ્રથમ ડીગ્રી સાથે ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સની વિક્રમી સંખ્યા 18,927 ની હતી. વકીલોની સંખ્યા વધી છે તેની સામે લો ફર્મ્સની સંખ્યા ઘટી છે.


