યુકેમાં કાયદો અને વ્યવસ્થા તળિયે, પોલીસના અભાવે અપરાધીઓને છૂટો દોર

પોલીસ અપરાધ સામે લડવા સજ્જ જ નથી, હજારો પોલીસ અધિકારીઓને ડેસ્ક જોબ સોંપી દેવાઇ છે, સ્ટ્રીટ પર ફરજ બજાવતા કર્મીઓની સંખ્યામાં મોટો ઘટાડો જવાબદાર

Tuesday 20th January 2026 09:13 EST
 
 

લંડનઃ યુકેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તળિયે બેઠી છે. અપરાધીઓ બેફામ બન્યાં છે અને પોલીસ નિઃસહાય બનીને કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની મૂક પ્રેક્ષક બની રહી છે. સરકારી સૂત્રો જ સ્વીકારી રહ્યાં છે કે સ્થાનિક પોલીસ વિભાગો અપરાધ સામે લડવા માટે સજ્જ નથી. છેલ્લા એક દાયકામાં હજારો પોલીસ અધિકારીઓને સડકો પરથી હટાવીને ડેસ્ક જોબ સોંપી દેવાઇ છે.

સરકારના એક વરિષ્ઠ સૂત્રના જણાવ્યા અનુસાર સડકો પર અપરાધ આચરનારા સજામાંથી બચી રહ્યાં છે. જેના પગલે સમુદાયો પરેશાન છે. સરકાર પોલીસ વિભાગમાં મહત્વના સુધારા આ મહિને જાહેર કરે તેવી સંભાવના છે.

હોમ ઓફિસના જ આંકડા કહે છે કે છેલ્લા 6 વર્ષમાં 12,600 કરતાં વધુ તાલીમબદ્ધ પોલીસ અધિકારીઓને એચઆર અને આઇટી સપોર્ટ જેવા બેક ઓફિસના કામોમાં લગાવી દેવાયાં છે. એક દાયકા પહેલાં સડકો ફ્રન્ટલાઇન પોલીસ અધિકારીઓની સંખ્યા 70,000 કરતાં વધુ હતી જે હવે ઘટીને 67,000 કરતાં પણ ઓછી થઇ ગઇ છે. સરકારી સૂત્રો આના માટે પક્ષપાતી હેડકાઉન્ટ ટાર્ગેટ્સને જવાબદાર ગણાવે છે.

મેટ્રોપોલિટન પોલીસ કમિશ્નર સર માર્ક રોવલીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હાલું પોલીસ મોડેલ જરીપુરાણું થઇ ચૂક્યું છે અને તેમાં ધરમૂળથી સુધારાની જરૂર છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 43 પોલીસ વિભાગોમાં ઘટાડો કરવાની જરૂર છે.

સરકારે આ સંસદ પૂરી થાય ત્યાં સુધીમા વધારાના 13000 નેબરહૂડ પોલીસ અધિકારીઓની નિયુક્તિનું વચન આપ્યું છે. સરકારી સૂત્રોનું માનવું છે કે પોલીસ અપરાધો સામે લડવાના બદલે રિએક્ટિવ સર્વિસ આપતી હોય તેમ લાગી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter