લંડનઃ લેબર સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નીતિ અંતર્ગત ભારત અને અન્ય દેશોના માઇગ્રન્ટ્સને યુકેમાં કાયમી વસવાટની પરવાનગી માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે. હોમ સેક્રેટરી શબાના માહમૂદે લેબર કોન્ફરન્સ ખાતે જણાવ્યું હતું કે, બ્રિટનના પરમેનેન્ટ રેસિડેન્સી સ્ટેટસ - આઇએલઆર (ઇનડેફિનેટ લીવ ટુ રિમેઇન) મેળવવા માટેના વેઇટિંગ ટાઇમને લંબાવવામાં આવશે. તેની સાથે નવી શરતો પણ સામેલ કરાશે. સ્ટે માટે અર્ન ધ રાઇટ માટે માઇગ્રન્ટ્સે સંખ્યાબંધ માપદંડો પૂરા કરવા પડશે.
સરકાર દ્વારા નક્કી થયેલા માપદંડોમાં માઇગ્રન્ટ્સે સોશિયલ સિક્યુરિટી યોગદાન આપવા પડશે. આ માટે તેમણે બેનિફિટ્સ માટે દાવાથી દૂર રહેવું પડશે, ક્રિમિનલ રેકોર્ડ ચોખ્ખાં રાખવા પડશે અને સ્થાનિક સમુદાયોમાં સ્વેચ્છાએ યોગદાન આપવું પડશે. તે ઉપરાંત માઇગ્રન્ટ્સને કડકડાટ અંગ્રેજી બોલતાં પણ આવડવું જોઇશે.
માહમૂદે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લોકોને એમ લાગી રહ્યું છે કે સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે. જ્યારે તેઓ ગેરકાયદેસર નોકરી અંગે સાંભળે છે ત્યારે તેમને એમ લાગે છે કે સિસ્ટમ સાથે ચેડાં થઇ રહ્યાં છે. માહમૂદે લેબર કાર્યકરોને ચેતવણી આપી હતી કે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ જશે તો લેબર પાર્ટી તેના મતદારો ગુમાવી બેસશે અને નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીને લાભ થશે.

