યુકેમાં કોરોના સંક્રમણ વધતા થ્રી ટિયર લોકડાઉન

વૈજ્ઞાનિક સલાહકારોએ થ્રી ટિયર સિસ્ટમના પગલાં અપૂરતા ગણાવ્યાઃ નવા નિયંત્રણો ઓછામાં ઓછાં છ મહિના અમલી રહે તેવી ચેતવણીઃસૌ પહેલા લિવરપૂલને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યું

Wednesday 14th October 2020 02:26 EDT
 
 

લંડનઃ બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કોરોનાનું સંક્રમણ વધ્યા પછી લોકડાઉન માટે ટ્રાફિક લાઈટ સિસ્ટમની માફક નવી થ્રી ટિયર સિસ્ટમ જાહેર કરી છે. જોકે, નિયંત્રણો બાબતે નિષ્ણાતો અને જ્હોન્સન વચ્ચે સહમતિ નથી. વૈજ્ઞાનિક સલાહકારોએ થ્રી ટિયર સિસ્ટમના પગલાં અપૂરતા ગણાવ્યા છે. દરમિયાન, બ્રિટનમાં ચાર મહિનામાં પહેલી વખત ૧૦૦થી વધુ મોત એટલે કે ૧૪૩ મોત ૧૩ ઓક્ટોબર મંગળવારે થયા હતા તેમજ કેસીસનો આંકડો ૧૭,૨૩૪ નોંધાયો હતો. મોત અને કોરોના સંક્રમણનો આંકડો વધતા જ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે સમગ્ર દેશમાં સર્કિટ બ્રેકર લોકડાઉન લાદવાની માગણી કરી હતી. બીજી તરફ, હાઉસ ઓફ કોમન્સમાં ટોરી સભ્યોની બળવાખોરીના અહેવાલો મધ્યે થ્રી ટિયર લોકડાઉન નિયંત્રણો પરનું મતદાન સફળ રહ્યું હતું અને સરકારનો ૨૯૯ વિરુદ્ધ ૮૨ મતથી વિજય થયો હતો. વડા પ્રધાને ચેતવણી આપી હતી કે પગલાં નહિ લેવાય તો સંક્રમણ ફેલાતું જશે. હાઉસ ઓફ કોમન્સ દ્વારા અમલમાં મૂકાયેલી સિસ્ટમના પ્રથમ સ્તર (ગ્રીન)માં રુલ ઓફ સિક્સ એટલે કે ૬થી વધુ લોકોનાં એકઠા થવા પર પ્રતિબંધ લદાયો છે અને તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. બીજા (યલો) સ્તરમાં લોકો પર ઘરમાં, ગાર્ડનમાં, પબ્સ, બાર અને રેસ્ટોરાંમાં એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે જ્યારે, સંક્રમણ વધુ હોય તેવાં ત્રીજા (રેડ) સ્તરમાં પબ્સ, બાર અને રેસ્ટોરાં પર પ્રતિબંધ લાદી દેવાયો છે. રેડ ઝોનના વિસ્તારોમાં નિયંત્રણો લાંબા સામય ચાલુ રખાશે અને સમયાંતરે તેની સમીક્ષા કરાશે. આ સિસ્ટમ બુધવાર ૧૪ ઓક્ટોબરથી અમલી બનશે. સૌ પહેલા લિવરપૂલને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યું છે. દરમિયાન, ચાન્સેલર સુનાકે નવા નિયંત્રણોની કામગીરી બાબતે કાઉન્સિલ્સને ૧.૫ બિલિયન પાઉન્ડની ફાળવણી પણ કરી છે. તેમણે વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પણ બિઝનેસીસને કેસ ગ્રાન્ટ્સની ઓફર કરી હતી.

જ્હોન્સને નિષ્ણાતોની સલાહ અવગણી

‘સર્કિટ બ્રેકર’ લોકડાઉનના મામલે વડા પ્રધાન જ્હોન્સન અને SAGE નિષ્ણાતો વચ્ચે અસાધારણ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોએ ત્રણ સપ્તાહ અગાઉ ૨૧ સપ્ટેમ્બરે જ નેશનલ સર્કિટ બ્રેકરની સલાહ આપી હતી પરંતુ, જ્હોન્સને તેની અવગણના કરી હતી અને ત્રી ટિયર સિસ્ટમની જાહેરાત કરી છે. ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટીનું કહેવું છે કે આ સખત પગલાં પૂરતાં હોવાનું કહી શકાય તેમ નથી. લેબર પાર્ટીએ પણ નિષ્ણાતોની સલાહ અવગણવાનો સરકાર સામે આક્ષેપ મૂક્યો છે. પ્રથમ બે ટિયરમાં જ ઈંગ્લેન્ડના કુલ ૨૨ મિલિયન લોકોને આવરી લેવાવાની શક્યતા છે. નવા નિયંત્રણો ઓછામાં ઓછાં છ મહિના અમલી રહેશે તેવી ચેતવણી પણ મિનિસ્ટર્સે આપી હતી. ઉલ્લેખનીય છે કેસ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૭ ઓક્ટોબરથી સ્કોટલેન્ડમાં ૧૬ દિવસ માટે આલ્કોહોલ વેચતા પબ્સ અને રેસ્ટોરાં પર પ્રતિબંધ લાદી દીધો છે.

હવે નેશનલ લોકડાઉન યોગ્ય નથી

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સમાં નિવેદન આપતા કહ્યું હતું કે,‘ દેશ ૨૩ માર્ચે પ્રથમ વખત નેશનલ લોકડાઉનમાં મૂકાયો તેની સરખામણીએ વધુ લોકો કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વાન-ટામે વાઈરસના બીજાં મોજાંની ગંભીર વાસ્તવિકતા દર્શાવી છે. ગત ત્રણ સપ્તાહમાં કેસની સંખ્યા ચાર ગણી થઈ છે અને મોત પણ વધી રહ્યા છે. ઘણા લોકોએ શાળાઓ અને બિઝનેસીસ બંધ કરવા સાથે અનિશ્ચિત મુદત સુધી નેશનલ લોકડાઉનની તરફેણ કરી છે પરંતુ, આ યોગ્ય માર્ગ હોવાનું હું માનતો નથી. આપણા બાળકો શિક્ષણથી વંચિત થઈ જાય એટલું જ નહિ, આપણા અર્થતંત્રને એટલું ખરાબ નુકસાન થાય કે NHS અને અન્ય મહત્ત્વની જાહેર સેવાઓ માટે આવશ્યક ભંડોળ આપવાની શક્તિ ખલાસ થઈ જાય.’

તેમણે કહ્યું હતું કે,‘ R વેલ્યુ હાલ નીચી છે પરંતુ, તાજેતરના વિક્રમી પોઝિટિવ કેસીસ પછી વધુ કડક પગલા આવશ્યક છે. જો પગલાં નહિ લેવાય તો વાઈરસથી સંક્રમિત એક વ્યક્તિ સરેરાશ અન્ય ૨.૭ અને ૬ વ્યક્તિને ચેપ લગાવી શકે છે. તાજેતરના મહિનાઓમાં આપણે નિયંત્રણોથી સ્થાનિક ઉછાળાને કાબુમાં લેવા કામગીરી કરી હતી પરંતુ, સરળ રીતે સમજાય તેવા પગલાંની જરુર છે.’

સોમવાર ૧૨ ઓક્ટોબરે યુકેમાં નવા ૧૩,૯૭૨ કેસ નોંધાયા છે જે ગત સોમવારની સરખામણીએ ૧૧ ટકા વધુ છે. ૧૧ ઓક્ટોબરે ૧૨,૮૭૨ કેસ અને ૬૫ મોત,  શનિવાર ૧૦ ઓક્ટોબરે કોરોનાના વધુ ૧૫,૧૧૬ કેસ અને વધુ ૮૧ મોત તેમજ શુક્રવાર, ૯ ઓક્ટોબરે ૧૩,૮૬૪ કેસ નોંધાયા હતા. યુકેમાં અત્યાર (રવિવાર) સુધી ૫૯૦,૮૪૪ કેસ અને ૪૨,૭૬૦ મૃત્યુ નોંધાયા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં સરેરાશ દૈનિક ૧૦,૩૮૩,  વેલ્સમાં ૪૬૭, સ્કોટલેન્ડમાં ૯૫૬ અને નોર્ધર્ન આયલેન્ડમાં ૧૦૬૬ કેસ નોંધાયા છે.

નવી થ્રી ટિયર સિસ્ટમમાં શું છે?  

ટ્રાફિક લાઈટ સિસ્ટમમાં ત્રણ ઝોન –રેડ, યલો અને ગ્રીન હોય છે તેને ધ્યાનમાં લઈ કોરોના વાઈરસ સંબંધિત પ્રતિબંધો માટે પણ ત્રણ ઝોન કે મીડિયમ, હાઈ અને હાઈ રિસ્ક એમ ત્રણ સ્તર રાખવામાં આવ્યા છે. સૌપહેલા લિવરપૂલને રેડ ઝોનમાં રખાયું છે.

હાઈ રિસ્ક (રેડ) ઝોનઃ આ ઝોનમાં ગ્રીન અને યલો ઝોનમાં જે પ્રતિબંધો લગાવાયા હોય તે ઉપરાંત, પબ્સ, રેસ્ટોરાં, અન્ય હોસ્પિટાલિટી બિઝનેસીસ બંધ રખાશે. • બિનજરુરી પ્રવાસ પર નિયંત્રણો રહેશે. જોકે, વર્ક પ્લેસીસ અને શાળાઓને ખુલ્લી રાખી શકાશે. • સ્થાનિક લોકોને કામકાજ, શિક્ષણ અથવા આરોગ્યના કારણોસર જ વિસ્તારની બહાર પ્રવાસની છૂટ મળશે. જોકે, તેમણે દિવસના અંતે  ફરજિયાત પાછા ફરવાનું રહેશે.• હાઈ રિસ્ક (રેડ) એરિયાના લોકો માટે બહાર રાત્રિરોકાણ પ્રતિબંધિત રહેશે. પરિવારોને ઘરમાં કે ઘરની બહાર હળવામળવા પર પણ નિયંત્રણો લાગી જશે. જોકે, રુલ ઓફ સિક્સ સાથે બહાર મળવું શક્ય રહેશે • બુધવારે સાંજના ૫ વાગ્યાથી નોર્થવેસ્ટમાં સેંકડો પબ્સ અને બાર બંધ થઈ જશે સિવાય કે તેઓ રેસ્ટોરાંની માફક ટેઈકઅવે અથવા ભોજન સાથે સર્વિસ આપે. • વેડિંગ રિસેપ્શન કરી નહિ શકાય • બૂકીઝ, કેસિનોઝ, જીમ્સ, બ્યૂટી સલૂન્સ અને હેરડ્રેસર્સ પણ બંધ કરી દેવાશે જેનો, નિર્ણય સ્થાનિક નેતાઓ હસ્તક રહેશે. આ પગલાં ચાર સપ્તાહ સુધી અમલમાં રહ્યા પછી તેની સમીક્ષા કરાશે. • ત્રીજા સ્તરના નિયંત્રણોના કારણે જો બિઝનેસ બંધ થઈ જાય તો સરકાર માસિક ૩,૦૦૦ પાઉન્ડની કેશ ગ્રાન્ટ આપશે. સ્ટાફ માટે ફર્લો સ્ટાઈલનું વળતર જાહેર કરવામાં આવશે

 

હાઈ (યલો) ઝોનઃ આ યલો ઝોનમાં ગ્રીન ઝોનમાં લગાવાયેલા પ્રતિબંધો ઉપરાંત, પરિવારોની સામાજિક - ઘરેલું મુલાકાતો પણ પ્રતિબંધિત રહેશે. જોકે, સપોર્ટ બબલને પરવાનગી મળશે. • હાલ ઈંગ્લેન્ડમાં ૧૦ મિલિયનથી વધુ લોકો આ સ્થાનિક નિયંત્રણો હેઠળ છે. • રુલ ઓફ સિક્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે પાર્ક્સ અને ગાર્ડન્સમાં સામાજિક મુલાકાત શક્ય બનશે. • લોકોને આવશ્યક કારણોસર જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવાયું છે. • ફેસ માસ્ક પહેરવાની વિશેષ સલાહ અપાઈ છે. જોકે, શાળાઓને ખુલ્લી રાખી શકાશે.

 

મીડિયમ (ગ્રીન) ઝોનઃ આ ઝોન મોટા ભાગના યુકેને આવરી લેશે જેમાં, વર્તમાન સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન યથાવત રહેશે. • ઘર કે ઘરની બહાર પારિવારિક મુલાકાતોમાં રુલ ઓફ સિક્સનું પાલન કરવાનું રહેશે. • બાર અને રેસ્ટોરાં સહિત હોસ્પિટાલિટીના સ્થળો ટેબલ સર્વિસ સાથે કામ કરી શકશે અને રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ હેઠળ આવશે. • ગ્રૂપ સ્પોર્ટ્સ માત્ર બહાર રમી શકાશે અને લગ્ન સમારંભો અને ફ્યુનરલ્સમાં વધુમાં વધુ ૧૫ વ્યક્તિ હાજર રહી શકશે. • શક્ય હોય ત્યાં સુધી ઘરમાંથી કામ કરવાની સલાહ અપાઈ છે. • કોવિડ સુરક્ષિત પદ્ધતિએ બિઝનેસીસ અને અન્ય સ્થળો કાર્યરત રહેશે. • સ્કૂલ્સ, ધર્મસ્થાનકો અને યુનિવર્સિટીઓ ખુલ્લા રહેશે.

 

                                          કયા વિસ્તારો કયા ઝોનમાં મૂકાશે?

વેરી હાઈ રિસ્કઃ લિવરપૂલ સિટી રીજિયન, લિવરપૂલ, નોસ્લી, વિરાલ, સેન્ટ હેલેન્સ, સેફ્ટોન, હાલ્ટોન

હાઈ રિસ્કઃ ચેશાયર વેસ્ટ અને ચેસ્ટર, ચેશાયર ઈસ્ટ, ગ્રેટર માન્ચેસ્ટર (માન્ચેસ્ટર, બોલ્ટન, બરી, સ્ટોકપોર્ટ, ટેમસાઈડ, ટ્રેફોર્ડ, વિગન, સાલફર્ડ, રોચડેલ, ઓલ્ધામ) વોરિંગ્ટન, ડર્બિશાયર ( હાઈ પીક, ટિન્ટવિસ્ટલ, પેડફિલ્ડ, ડિન્ટિંગ, સેન્ટ જ્હોન્સ, ઓલ્ડ ગ્લોસોપ, વ્હિટફિલ્ડ, હેડફિલ્ડ સાઉથ અને નોર્થ), લેન્કેશાયર (લેન્કેશાયર, બ્લેકપૂલ, પ્રેસ્ટન, બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી)  વેસ્ટ યોર્કશાયર ( લીડ્ઝ, બ્રેડફોર્ડ, કર્કલીઝ, કાલ્ડેરડેલ, વેકફિલ્ડ સાઉથ), યોર્કશાયર (બર્ન્સલે, રોધરહામ, ડોનકાસ્ટર, શેફિલ્ડ), નોર્થ ઈસ્ટ (ન્યૂકેસલ, સાઉથ અને નોર્થ ટાયનેસાઈડ, ગેટ્સહીડ, સંડરલેન્ડ, ડરહામ, નોર્ધમ્બરલેન્ડ), ટીસ વેલી (મિડલ્સબરા, રેડકાર એન્ડ ક્લીવલેન્ડ, ડાર્લિંગટન, હર્ટલપૂલ, સ્ટોકટોન ઓન ટીસ), વેસ્ટ મિડલેન્ડ્સ (બર્મિંગહામ, સેન્ડવેલ, સોલિહલ, વુલ્વરહેમ્પટન, વોલસાલ), લેસ્ટર (લેસ્ટર, ઓડબી એન્ડ વિગસ્ટન), નોટિંગહામ (નોટિગહામશાયર, નોટિંગહામ સિટી)

મીડિયમ રિસ્કઃ ઈંગ્લેન્ડના બાકીના વિસ્તારો

યુરોપમાં સંક્રમણનો બીજો તબક્કો ખતરનાક

યુરોપમાં સંક્રમણનો બીજો તબક્કો ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. ૧ લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત છે. ફ્રાન્સમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી વધી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં નવા ૨૦,૩૩૯ કેસ નોંધાતા સરકારની ચિંતા વધી હતી. ગત ગુરુવાર અને સોમવારે પણ ૧૮,૦૦૦થી વધારે કેસ નોંધાયા હતા. સરકારે પ્રતિબંધોનું પાલન નહિ કરનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૨૦૦૦થી વધુ કેસ વધ્યા હતા અને ૭૮૬૪ લોકોને સારવાર અપાઈ રહી છે

રાષ્ટ્રવ્યાપી સર્કિટ બ્રેકર લોકડાઉનની તરફેણ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન નોર્થ વિસ્તારોમાં પબ્સ અને રેસ્ટોરાં બંધ કરાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે દેશમાં બે તૃતીઆંશ લોકો કોરોના સંક્રમણની ચેઈન તોડવા કડક પગલાં સાથે સર્કિટ બ્રેકર લોકડાઉનની તરફેણ કરી હતી. મેઈલ ઓનલાઈન માટે રેડફિલ્ડ એન્ડ વિલ્ટોન સ્ટ્રેટેજિસ દ્વારા કરાયેલ ખાસ મતદાનમાં સ્કોટલેન્ડ જેવા પગલાં સાથે સર્કિટ બ્રેકર લોકડાઉનની તરફેણ કરી હતી જેમાં ૩૩ ટકાએ મજબૂત સમર્થન અને ૩૦ ટકાએ સમર્થન જાહેર કર્યું હતું. આની સામે ૧૮ ટકા તટસ્થ રહ્યા હતા જ્યારે, ૭ ટકાએ વિરોધ અને ૬ ટકાએ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. બાકીના ૬ ટકા મતદારોએ કશું જાણતા ન હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.

આ અભ્યાસમાં વર્તમાન સ્થાનિક નિયંત્રણો બાબતે અસ્પષ્ટતા, ગૂંચવાડો અને અસંતોષ પ્રવર્તતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આશરે ૩૩ ટકા બ્રિટિશરોએ તેમના વિસ્તારમાં નિયંત્રણો વિશે બરાબર જાણકારી ન હોવાનું જણાવ્યું હતું જ્યારે અડધોઅડધ મતદાતાએ સ્વીકાર્યું હતું કે તેઓ નિયંત્રણોનું સંપૂર્ણ પાલન કરતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter