લંડનઃ વિશ્વની ચોથા ક્રમની આર્થિક મહાસત્તા ગણાતા યુકેમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના ગંભીર પરિણામો હવે વિકરાળ બનીને સામે આવી રહ્યાં છે. દેશમાં મોંઘવારી ચરમ પર પહોંચી જતાં હવે માતાપિતા પોતાના સંતાનોને પોષણક્ષમ આહાર આપવાની સ્થિતિમાં પણ રહ્યાં નથી. ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન કાયદા અંતર્ગત પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં ઇંગ્લેન્ડમાં કુપોષણથી પીડાતા હોવાના કારણે 11000 લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કુપોષણના કારણે વિક્ટોરિયન કાળના સ્કર્વી અને રિકેટ્સ જેવા રોગો માથું ઊંચકી રહ્યાં છે. દેશમાં કુપોષણથી પીડાતાં લોકોની સંખ્યા છેલ્લા એક દાયકામાં બમણી અને 2007-08 પછી ચાર ગણી થઇ ગઇ છે. સ્કર્વી વિટામીન સી અને રિકેટ્સ વિટામીન ડીની ઉણપને કારણે સર્જાતા રોગો છે. આ ઉણપો અપૂરતા પોષણક્ષમ આહારના કારણે બાળકોમાં વધુ જોવા મળે છે. કોરોના મહામારી અને ત્યારપછીની ટોરીઝની રાજકીય અસ્થિરતાના કારણે બ્રિટિશ અર્થતંત્ર ડામાડોળ બન્યું છે. સરકાર અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ફુગાવાને કાબૂમાં લેવા ધમપછાડા કરી રહ્યાં હોવા છતાં મોંઘવારી ઘટવાનું નામ લઇ રહી નથી. મોંઘવારીના કારણે પોષણક્ષમ આહાર ઘટી જતાં સીધી અસર પરિવારોના સ્વાસ્થ્ય પર થઇ રહી છે. એક અહેવાલ પ્રમાણે યુકેમાં ગરીબો યુરોપના અન્ય દેશોના ગરીબો કરતાં પણ વધુ ગરીબ છે. ગરીબીના કારણે તેમનો આહાર પણ ગરીબ બની ગયો છે. પાંચ વર્ષથી નાના બાળકોને અત્યારથી દાંતની સારવારની જરૂર પડી રહી છે જે કુપોષણનો મોટો સંકેત છે. છેલ્લા ઘણા વર્ષથી બ્રિટિશ પરિવારો કરકસરયુક્ત જીવન જીવવા મજબૂર બની રહ્યાં છે જેની સીધી અસર તેમના ખોરાક અને આરોગ્ય પર પડી રહી છે. પરિવારોને પુરતા પ્રમાણમાં બ્રેકફાસ્ટ, ફળો અને શાકભાજી ઉપલબ્ધ બની રહ્યાં નથી. યુકેમાં નીચી આવકના કારણે દર 6માંથી એક વ્યક્તિ અત્યારે ગરીબીમાં જીવી રહ્યો છે. મેદસ્વિતા પણ કુપોષણનો જ સંકેત છે. મોટાભાગના બાળકોને પુરતા પ્રમાણમાં કેલેરી ન મળતી હોવાના કારણે તેમનામાં વિટામીન ડીની ઉણપ વર્તાઇ રહી છે અને તેઓ મેદસ્વિતાનો શિકાર બની રહ્યાં છે. આરોગ્ય નિષ્ણાતો યુકેના હાલના ખાદ્ય પર્યાવરણને આરોગ્ય માટે ટિક ટિક કરતો ટાઇમ બોમ્બ ગણાવી રહ્યાં છે. યુકેમાં ડાયેટ ક્રાઇસિસ સર્જાઇ છે જે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો વરવો ચહેરો બનીને સામે આવી રહી છે.


