યુકેમાં ક્રિસમસ પહેલા રાષ્ટ્રીય સ્તરે વેક્સિનેશનના આયોજનની તૈયારી

Tuesday 27th October 2020 13:14 EDT
 
 

લંડનઃ સામુહિક વેક્સિનેશન માટેનું સમયપત્રક વહેલું કરવા સરકાર પ્રયત્નશીલ હોવાથી NHSના આગલી હરોળના વર્કર્સને થોડા અઠવાડિયામાં કોરોના વેક્સિન આપવાનું આયોજન થઈ રહ્યું છે. NHS ટ્રસ્ટના વડા દ્વારા તેમના સ્ટાફને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે NHS ક્રિસમસ પહેલા રાષ્ટ્રીય સ્તરે વેક્સિનેશનના આયોજનની તૈયારી કરી રહી છે.

ધ મેલમાં જણાવ્યા મુજબ ૩૧ ડિસેમ્બરે પોસ્ટ બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન પીરીયડ પૂરો થાય છે તે પહેલા સલામત અને અસરકારક વેક્સિન મળી જશે તો ઈયુની મંજૂરી મેળવવાની પ્રક્રિયાને અવગણી શકાય તેવા નવા કાયદા યુકે સરકારે રજૂ કર્યા છે. આ ‘ગેમ ચેન્જિંગ’ વેક્સિનથી દેશને ગયા માર્ચથી ખોરવી નાખનારા સામાજિક નિયંત્રણોને હળવા બનાવવાની બોરિસ જહોન્સનને છૂટ મળશે તેવા આશાવાદને આ પગલાંથી વેગ મળ્યો છે.

અગાઉ આ મહિનામાં સ્ટાફને પાઠવેલી નોંધમાં જ્યોર્જ ઈલિયટ હોસ્પિટલ NHS ટ્રસ્ટ વોરવિકશાયરના ચીફ એક્ઝિક્યુટિવ ગ્લેન બર્લીએ જણાવ્યું હતું કે દેશભરની NHS સંસ્થાઓ સાથે તેમના ટ્રસ્ટને ડિસેમ્બરની શરૂઆતમાં કોવિડ-૧૯ સ્ટાફ વેક્સિન પ્રોગ્રામ શરૂ કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.

તાજી માહિતી મુજબ કોરોના વાઈરસની વેક્સિન આ વર્ષે ક્રિસમસ પહેલા ઉપલબ્ધ થઈ જશે. તે આપવામાં NHSના સ્ટાફને પ્રાથમિકતા અપાશે. બર્લીએ ઉમેર્યું કે ૨૮ દિવસના અંતરે બે ડોઝમાં વેક્સિન અપાય તેવી શક્યતા છે. તેમણેકોવિડ-૧૯ની વેક્સિન મેળવવાને પાત્ર થઈ શકાય તે માટે નવેમ્બરના અંત સુધીમાં ફ્લૂ જેબ લઈ લેવા સ્ટાફને અનુરોધ કર્યો હતો.

ડૂડલી ગ્રૂપ NHS ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડાયન વેકે તાજેતરમાં હોસ્પિટલ બોર્ડની મિટીંગમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં હેલ્થકેર પ્રોવાઈડર્સને માટે કોવિડ-૧૯ વેક્સિન ઉપલબ્ધ થશે તેવી તેમને આશા છે.

દરમિયાન, બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો હતો કે બ્રિટનની હોસ્પિટલોમાં નવેમ્બર માસમાં જ કોરોનાની વેક્સિન મળી જશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર થયેલી રસીનો પહેલો જથ્થો નવેમ્બરમાં બ્રિટનની હોસ્પિટલોને મળી જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌ પ્રથમ લંડનની હોસ્પિટલોમાં રસી અપાશે અને તે પછી બ્રિટનના અન્ય શહેરોમાં વેક્સિનનો જથ્થો પહોંચતો કરાશે એવો દાવો અહેવાલોમાં થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter