યુકેમાં ગરીબ વિસ્તારોમાં બેટિંગ શોપ્સની સંખ્યા ૧૦ ગણાથી પણ વધુ

Wednesday 01st September 2021 06:46 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી સમૃદ્ધ વિસ્તારોની સરખામણીએ વંચિત કે ગરીબ વિસ્તારોમાં બેટિંગ શોપ્સની સંખ્યા ૧૦ ગણાથી પણ વધુ હોવાનું સ્ટાન્ડર્ડ લાઈફ ફાઉન્ડેશનના અભ્યાસમાં બહાર આવ્યું છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના એકેડેમિક્સ દ્વારા બૂકમેકર્સ, એમ્યૂઝમેન્ટ આર્કેડ્સ અને બિન્ગો હોલ્સની ભૌગોલિક સ્થિતિના અભ્યાસ પછી જણાયું હતું કે બ્રિટનમાં ૧૦,૦૦૦થી વધુ ગેમ્બલિંગ સ્થળો છે જે સુપરમાર્કેટ્સની સાઈટ્સ કરતાં પણ વધારે છે.

ગેમ્બલિંગ આઉટલેટ્સ કે જુગારખાનામાંથી ૨૧ ટકા બ્રિટનના સૌથી ગરીબ વિસ્તારોમાં જ્યારે માત્ર બે ટકા સમૃદ્ધ વિસ્તારોમાં આવેલા છે. જે લોકો પાસે ઓછાં સંસાધનો-રિસોર્સીસ છે તેમને જ વધુ લક્ષ્ય બનાવાય છે. આની સરખામણીએ ૧૦ ટકા સુપરમાર્કેટ્સ ચેઈન્સ સૌથી ગરીબ વિસ્તારોમાં અને સાત ટકા સમૃદ્ધ વિસ્તારોમાં આવ્યા છે. ગ્લાસગોમાં સૌથી વધુ એટલે કે દર ૩,૨૬૪ લોકોએ એક બેટિંગ શોપ છે. લિવરપૂલ, લંડનના ગરીબ વિસ્તારો અને મિડલ્સબરો પણ પાછળ નથી. નવાઈની બાબત તો છે કે સંશોધકો દ્વારા ધ્યાને લેવાયેલી ૩૪૮ ગેમ્બલિંગ ટ્રીટમેન્ટ સર્વિસીસમાંથી અડધોઅડધ તો જુગારખાનાથી માત્ર ચાલતા પાંચ મિનિટના અંતરે હતી.

કોરોના લોકડાઉન્સમાં લોકોને ફરજિયાત ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું ત્યારે ઓનલાઈન કેસિનોની શોધ વધી ગઈ હતી. યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં બેટિંગ શોપ્સ અને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ બંધ હતા જેના પરિણામે, જુગારીઓએ સટ્ટો ખેલવા ઓનલાઈન વિકલ્પો તરફ નજર માંડી હતી. બ્રિટનમાં કોરોના મહામારીમાં ઓનલાઈન સટ્ટો લગાવનારાની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો હતો. કોરોના પહેલા ૧૦.૮ મિલિયન લોકો ઓનલાઇન સટ્ટાબાજી કરતા હતા. કોરોના બાદ એવા લોકોની સંખ્યા ૧.૩ મિલિયન વધી ૧૨.૧ મિલિયનના આંકડે પહોંચી હતી. બ્રિટનમાં ઓનલાઈનથી વિરુદ્ધ બેટિંગ શોપ્સમાં ખેલાતા જુગારમાં જુગારીઓ દ્વારા ગુમાવાતા ૧૦.૨ બિલિયન પાઉન્ડના ૪૪ ટકાનો હિસ્સો રહે છે.

સટ્ટો-જુગાર રમનારા લોકો નાણા ગુમાવે છે અને રમાડનારા સમૃદ્ધ થાય છે. બીજી તરફ, બેટિંગ એન્ડ ગેમિંગ કાઉન્સિલ (BGC) ઈન્ડસ્ટ્રીના આર્થિક યોગદાનને હાઈલાઈટ કરે છે. BGCના પ્રવક્તાએ જણાવ્યા મુજબ તેના સભ્યો ૧૧૯,૦૦૦ નોકરીઓને સપોર્ટ કરે છે., ૪.૫ બિલિયન પાઉન્ડનો ટેક્સ જનરેટ કરે છે તેમજ ઈકોનોમીમાં ૭.૭ બિલિયન પાઉન્ડનું યોગદાન આપે છે. માત્ર બેટિંગ શોપ્સ જ દેશભરમાં ૪૬,૦૦૦ લોકોને નોકરી આપે છે, ટ્રેઝરીને ૧ બિલિયન પાઉન્ડનો ટેક્સ તેમજ લોકલ કાઉન્સિલ્સને ૬૦ મિલિયન પાઉન્ડનો બિઝનેસ રેટ્સ ચૂકવે છે જ્યારે કેસિનો ૧૧,૦૦૦ના સ્ટાફને રોજગારી આપે છે અને વાર્ષિક ૫૦૦ મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter