લંડનઃ યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારાની સંખ્યામાં વધારા મધ્યે ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે આવતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. બ્રિટિશ અખબારના અહેવાલના પગલે વિવાદ સર્જાયો છે. પહેલીવાર એવો દાવો કરાયો છે કે ભારતીયો પણ ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવી રહ્યાં છે. સામાન્ય રીતે યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા લોકોમાં ઇરાન, ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાનના લોકોનો સમાવેશ થાય છે.
બ્રિટનની હોમ ઓફિસના આંકડા અનુસાર 2023માં જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે 233 ભારતીયો ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે યુકેમાં આવ્યા હતા અને રાજ્યાશ્રયની માગ કરી હતી. જોકે તેમાંથી ફક્ત 3 ટકાને જ યુકેમાં રહેવાની પરવાનગી આપવામાં આવી હતી.
અખબારના દાવાને નકારી કાઢતાં યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય યુકેમાં ગેરકાયદેસર રીતે આવેલો ભારતીય વિદ્યાર્થી જોયો નથી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે ભારે ફી ચૂકવવી પડતી હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ લીગલ રૂટથી જ યુકેમાં આવે છે.
અખબારે દાવો કર્યો છે કે તેઓ સર્બિયાથી યુકેમાં આવે છે અને ઇન્ટરનેશનલ ફી ચૂકવવી ન પડે તે માટે આ રૂટ અપનાવે છે. સર્બિયામાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી અપાતી હતી તેથી તેઓ આ રૂટથી યુરોપમાં થઇને અન્ય શરણાર્થીઓની સાથે યુકે આવતા હતા. શરણાર્થીઓને લાવતી બોટ દ્વારા રૂપિયા 3 થી 4 લાખ વસૂલવામાં આવે છે.

