લંડન
યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા વિદેશી નાગરિકોને અટકાવવા માટે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન દ્વારા મંગળવારે સંસદમાં આકરો માઇગ્રેશન ખરડો રજૂ કરાયો હતો. લાંબા સમયથી બ્રિટનમાં રાજ્યાશ્રય પ્રાપ્ત કરવા માટે વિદેશી નાગરિકોના ધાડાં ઉમટી રહ્યાં છે. નવા કાયદા અંતર્ગત ઇંગ્લિશ ચેનલ પાર કરીને નાની હોડીઓ દ્વારા બ્રિટનના કિનારા પર આવી પહોંચતા વિદેશીઓની અટકાયત કરીને દેશનિકાલ કરી શકાશે. બ્રેવરમેને જણાવ્યું હતું કે, યુકેમાં ગેરકાયદેસર આવતા રાજ્યાશ્રય માગનારા વિદેશીઓને કોઇપણ પ્રકારના જામીન અથવા તો ન્યાયિક સમીક્ષા વિના દેશનિકાલ ન કરાય ત્યાં સુધી 28 દિવસ અટકાયતમાં રાખવાની સરકારને સત્તા મળી જશે. આ કાયદા અંતર્ગત ગેરકાયદેસર ઘૂસણખોર રેફ્યુજી, મોડર્ન સ્લેવરી કે માનવ અધિકારોના આધારે બ્રિટનમાં રોકાણ કે રાજ્યાશ્રય માટે અરજી કરી શકશે નહીં. જોકે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો, ઉડાન ભરવામાં મેડિકલી અનફિટ અને જેમને ખરેખર તેમના દેશમાં નુકસાનનું જોખમ હોય તેવા વિદેશીઓના દેશનિકાલને વિલંબિત કરી શકાશે. ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારને ક્યાં તો તેના પોતાના દેશમાં અથવા તો રવાન્ડા જેવા સુરક્ષિત થર્ડ કન્ટ્રીમાં મોકલી અપાશે. આ કાયદામાં માનવ અધિકાર અંગેની યુરોપિયન કોર્ટના વચગાળાના આદેશોને અવગણવાની જોગવાઇ પણ કરાઇ છે. બ્રિટનમાં દર વર્ષે કેટલા નિરાશ્રીતોને આશ્રય આપવો અને નવા સુરક્ષિત અને લીગલ રૂટ તૈયાર કરવા અંગેના નિર્ણયો લેવાશે. આ ખરડાની જોગવાઇઓનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થશે કારણ કે તેને કાયદાનું સ્વરૂપ આપવામાં મહિનાઓ નીકળી શકે છે.
આ પહેલાં એક અખબારી મુલાકાતમાં વડાપ્રધાન રિશી સુનાકે યુકેમાં યુરોપ ચેનલ દ્વારા ગેરકાયદેસર રીતે આવી રહેલા વિદેશી નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બ્રિટનમાં ગેરકાયદેસર આવતા લોકો જાણી લે કે તેમને દેશનિકાલ કરાશે. કોઇ ભૂલ કરશો નહીં. જો તમે ગેરકાયદેસર રીતે અહીં આવશો તો તમને આ દેશમાં રહેવા દેવાશે નહીં. ગયા વર્ષે 45000 કરતાં વધુ વિદેશી નાગરિકો ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.
હાલના નિયમો અંતર્ગત 10 કરોડ વિદેશીઓ યુકેમાં રાજ્યાશ્રય મેળવી શકે – બ્રેવરમેન
સુએલા બ્રેવરમેને ચેતવણી આપી હતી કે, હાલના નિયમો પ્રમાણે 10 કરોડ વિદેશી ઘૂસણખોરો યુકેમાં રાજ્યાશ્રય મેળવી શકે છે. નવા કાયદાથી આપણે ઘૂસણોખોરોની હોડીઓને અટકાવી શકીશું. કેટલાક વિદેશીઓ દ્વારા બ્રિટનની સરળ રાજ્યાશ્રય સિસ્ટમનો ગેરલાભ લેવાય છે. છેલ્લા બે વર્ષમાં ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરીમાં 500 ટકાનો વધારો થયો છે. જો તમે યુકેમાં ગેરકાયદેસર રીતે ઘૂસશો તો તમને તાત્કાલિક ઝડપી લઇને દેશનિકાલ કરાશે એવો સંદેશ વિશ્વને નહીં અપાય ત્યાં સુધી ઘૂસણખોરી અટકશે નહીં.
ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસનારા વિદેશીઓમાં ભારતીયો ત્રીજા સ્થાને
નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરનારા વિદેશીઓમાં ભારતીયો ત્રીજા સ્થાને છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આ ચેનલનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં રાજ્યાશ્રયની માગ કરનાર અભ્યાસ કરી શકે છે અને તેને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકેની તગડી ફીના બદલે સ્થાનિક વિદ્યાર્થીની જેમ ઓછી ફી ભરવી પડે છે. રાજ્યાશ્રયના નિયમોમાં રહેલા આ છીંડાનો ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી 2023માં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 250 જેટલા ભારતીય નાગરિકો યુકે પહોંચ્યા છે. 2022ના પ્રથમ 9 મહિનામાં 233 ભારતીયો આ રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા. જે દર્શાવે છે કે ભારતીયો દ્વારા હવે બ્રિટનમાં ઘૂસવા માટે ઇંગ્લિશ ચેનલના રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


