યુકેમાં છુપાયેલા ગેંગસ્ટર જયેશ પટેલની ધરપકડ કરવા તાકીદ

Saturday 23rd January 2021 10:18 EST
 
 

લંડન, જામનગરઃ નામાંકિત વકીલ કિરીટ જોશીની એપ્રિલ, ૨૦૧૮માં હત્યા કરાવ્યા પછી દુબઇ અને આફ્રિકા નાસી ગયેલા જામનગરના ૪૧ વર્ષના ગેંગસ્ટર અને ભૂમાફિયા જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની ધરપકડ કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી છે. જયસુખે ખંડણી માટે વિવિધ લોકોને કરેલા કોલના આધારે તે બ્રિટનમાં હોવાનું બહાર આવ્યું છે.

જયસુખ ઉર્ફે જયેશ પટેલની સામે હત્યા, ખંડણી, છેતરપિંડી, બોગસ દસ્તાવેજો કરવા તેમ જ મની લોન્ડરિંગ સહિતના ગંભીર ગુનાના ૪૨ કેસ થયેલા છે. ઇન્ટરપોલે પણ જયેશ પટેલ ઉર્ફે જયસુખ રાણપરિયાની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી દુનિયાભરના દેશોને તેને કસ્ટડીમાં લેવા સતર્ક કર્યા છે. જયસુખને શોધી કાઢીને તેની ધરપકડ કરવા માટેની ગુજરાત પોલીસની રજૂઆતમાં ઇન્ટરપોલની નોટિસનો પણ ઉલ્લેખ છે.

જયસુખ ઉર્ફ જયેશ જામનગરમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સને ધમકી આપીને તેમની પાસેથી ખંડણી માગતો, બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી જે તે જમીન કે બિલ્ડિંગ પર દાવો કરતો હતો. પરિણામે, આવી ડખાવાળી જમીન કે મકાનો-દુકાનો વેચવાનું બિલ્ડરો માટે મુશ્કેલ બની જતું હતું. જયેશને ખંડણી અપાયા પછી જ તે જે-તે પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયર થવા દેતો હતો. આ કાર્યપદ્ધતિથી જયેશ પટેલ કરોડો રૂપિયા કમાયો હોવાનું કહેવાય છે.

એડવોકેટ કિરીટ જોશી જયસુખ સામેના ખંડણીના કેસો લડતા હોવાથી તેણે ભાડૂતી હત્યારાઓ મારફત જોશીની હત્યા કરાવી હતી. ત્યારે તેને અણસાર આવી ગયો હતો કે કિરીટ જોશીની હત્યા મામલે પોલીસ તેની પાછળ પડી જશે, જેથી તે બોગસ પાસપોર્ટ પર દુબઇ નાસી ગયો હતો અને ત્યાંથી તે આફ્રિકા પણ પહોંચ્યો હતો. થોડો સમય આ દેશોમાં રહ્યા પછી હાલ તે બ્રિટનમાં હોવાનું તેના ખંડણીના કોલ્સના ટ્રેસિંગથી જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter