લંડનઃ યુકેમાં મકાન ભાડાં માઝા મૂકી રહ્યાં છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી સુધીના છેલ્લા એક વર્ષમાં સરેરાશ માસિક મકાન ભાડાંમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. એક્ટિવિસ્ટો આને કોસ્ટ ઓફ રેન્ટિંગ ક્રાઇસિસ ગણાવી રહ્યાં છે.
ઇંગ્લેન્ડમાં સરેરાશ માસિક ભાડાં 8.8 ટકાના વધારા સાથે 1276 પાઉન્ડ પર પહોંચી ગયાં છે. સ્કોટલેન્ડમાં સરેરાશ માસિક ભાડાં 10.9 ટકાના વધારા સાથે 944 પાઉન્ડ અને વેલ્સમાં 9 ટકાના વધારા સાથે 723 પાઉન્ડ થયાં છે.
ઇંગ્લેન્ડમાં મકાન ભાડાંમાં સૌથી વધુ વધારો લંડનમાં નોંધાયો હતો. લંડનમાં સરેરાશ માસિક ભાડાં 10.6 ટકાના વધારા સાથે 2035 પાઉન્ડ પર પહોંચ્યાં છે. ભાડે અપાતાં મકાનની સંખ્યામાં ઘટાડો અને મકાન માલિકો માટે વધેલી વ્યાજની કિંમતના કારણે તાજેતરના મહિનાઓમાં મકાનભાડાં આભને આંબવા લાગ્યાં છે.
એક તરફ ફુગાવાના દરમાં ઘટાડાના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હળવી બની રહી છે પરંતુ કોસ્ટ ઓફ રેન્ટિંગ ક્રાઇસિસ ગંભીર બનતાં પરિવારો પર આર્થિક બોજો વધી રહ્યો છે.