લંડનઃ સમગ્ર યુકેમાં ઉનાળામાં ઔદ્યોગિક અશાંતિનો માહોલ જોવા મળી શકે છે. રેલવે હડતાળની કટોકટી વધી રહી છે અને રેઈલ નેટવર્ક ખોરંભે પડ્યું છે ત્યારે યુનિયનોએ યુકે જનરલ સ્ટ્રાઈકની ધમકી આપી છે. યુનિયન Aslef ના સભ્યોએ ઓગસ્ટમાં હડતાળ કાર્યવાહી માટે મતદાન કર્યું હતું ત્યારે રેઈલ,મેરીટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ(RMT) યુનિયનના વડા મિક લિન્ચે જનરલ સ્ટ્રાઈકની હાકલ કરી હતી.
મિનિસ્ટર્સ તેમજ વડા પ્રધાનપદના બંને ઉમેદવારોએ હડતાળની કાર્યવાહી પર અંકુશ લગાવવાની ધમકીઓ આપી છે ત્યારે RMT યુનિયનના વડા મિક લિન્ચે સમગ્ર ટ્રેડ યુનિયન આંદોલન દ્વારા સૌથી મોટા પ્રતિકાર તરીકે જનરલ સ્ટ્રાઈકની ચેતવણી આપી હતી. લિન્ચે કહ્યું હતું કે લિઝ ટ્રસની દરખાસ્તો 1871માં લેબર યુનિયન અને સિવિલ રાઈટ્સને કાનૂની માન્યતા મળ્યાં પછી ટ્રેડ યુનિયન્સ પરનો સૌથી મોટો હુમલો છે. જો આ દરખાસ્તો કાયદો બનશે તો સમગ્ર ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા સૌથી મોટો પ્રતિકાર કરાશે જે 1926ની જનરલ સ્ટ્રાઈકને પણ પાછળ પાડી દેશે.
બુધવાર 27 જુલાઈએ સંખ્યાબંધ ટ્રેનો બંધ રહેવાથી લાખો લોકો માટે પ્રવાસમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. નવ રેલ કંપનીઓમાં ટ્રેઈન ડ્રાઈવર્સના યુનિયન Aslef ના સભ્યોએ પગાર સહિતની બાબતો માટે 13 ઓગસ્ટે વધુ હડતાળની કાર્યવાહી માટે જોરદાર મતદાન કર્યું હતું. ગ્રેટર એન્ગલીઆ, ગ્રેટ વેસ્ટર્ન રેલવે, હલ ટ્રેઈન્સ, LNER, લંડન ઓવરગ્રાઉન્ડ, સાઉથઈસ્ટર્ન અને વેસ્ટ મિડલેન્ડ્સ ટ્રેઈન્સ ખાતેના સભ્યો 13 ઓગસ્ટ શનિવારની હડતાળમાં જોડાશે. Aslef ના જનરલ સેક્રેટરી મિક વ્હાલાને કહ્યું હતું કે અમારે કોસ્ટ ઓફ લિવિંગને સુસંગત પગાર જોઈએ છે. 2021માં અમે જે ખરીદી શકતા હતા તે 2022માં પણ ખરીદી શકીએ તેમ જોઈએ છીએ. નેટવર્ક રેઈલ અને 14 ટ્રેઈન ઓપરેટર્સના RMT સભ્યો તેમજ ટ્રાન્સપોર્ટ સેલરીડ સ્ટાફ્સ એસોસિયેશન (TSSA)ના સભ્યો 18 અને 20 ઓગસ્ટે હડતાળ પાડવા વિચારે છે જ્યારે RMT એ લંડન અંડરગ્રાઉન્ડ પર 19 ઓગસ્ટે હડતાળની જાહેરાત કરી જ લીધી છે.
જો લિઝ ટ્રસ સપ્ટેમ્બરમાં વડા પ્રધાન બને અને યુનિયનવિરોધી યોજનામાં આગળ વધશે તો ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ જનરલ સ્ટ્રાઈક પર ઉતરવાની હાકલ કરે તે માટે કેમ્પેઈન ચલાવાશે તેમ પણ લિન્ચે જણાવ્યું છે. ટ્રસ અને અન્ય પ્રતિસ્પર્ધી રિશિ સુનાકે કહ્યું છે કે તેઓ રેલવેઝ જેવી આવશ્યક જાહેર સેવાઓ દ્વારા સ્ટ્રાઈક્સ પર પ્રતિબંધ લાદશે. ટ્રસે જણાવ્યું છે કે તેમની સરકારના પ્રથમ 30 દિવસમાં જ મહત્ત્વના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લઘુતમ સેવાના સ્તર માટે કાયદો ઘડશે. ટ્રસે જણાવ્યું હતું કે બંડખોર યુનિયનો દ્વારા પ્રવાસી જનતાને બાનમાં લેવાય તે ચલાવી લેવાય નહિ.


