લંડનઃ યુકેમાં આશ્રય લઇ રહેલા ભારતમાં આર્થિક અપરાધીના આરોપીઓ જલસાની જિંદગી જીવી રહ્યાં છે. વર્ષો થઇ ગયાં છતાં યુકેના કાયદાઓની જટિલતાના કારણે તેમના પ્રત્યર્પણમાં ભારત સરકારને સફળતા હાંસલ થઇ નથી. તેના કારણે જ આ આર્થિક અપરાધીઓ જેલના સળિયાની પાછળ હોવાને બદલે મહાલયોમાં જિંદગી જીવી રહ્યાં છે. આ અપરાધીઓ એકબીજાની મદદ પણ કરી રહ્યાં છે.
તાજેતરમાં જ ઇન્ડિયન પ્રિમિયર લીગના પૂર્વ ચેરમેન એવા લલિત મોદીએ કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાના 70મા જન્મદિવસની ઉજવણી માટે પોતાના નિવાસસ્થાન 2 બેલગ્રેવ સ્ક્વેર, લંડન ખાતે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. લલિત મોદીએ આમંત્રિતોનો આભાર માનતા જણાવ્યું હતું કે, મારા મિત્રના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા માટે તમારો આભાર.
અમે ભારતના સૌથી મોટા ભાગેડુની શેખી મારનાર લલિત મોદીએ માફી માગી
વિજય માલ્યાની બર્થ ડે પાર્ટી સમયે જારી કરેલા વીડિયોમાં લલિત મોદીએ પોતાને અને વિજય માલ્યાને ભારતના સૌથી મોટા ભાગેડુ ગણાવ્યા હતા. જેના પર વિવાદ થતાં લલિત મોદીએ માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા નિવેદનથી કોઇની લાગણી દુભાઇ છે, વિશેષ કરીને ભારત સરકારની તો, તેના માટે હું માફી માગુ છું.


