લંડન
50 ટકા જેટલા બ્રિટિશરો માને છે કે ટેલિવિઝન પર વંશીય લઘુમતી સમુદાયો અને એલજીબીટી સમુદાયોને જરૂર કરતાં વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. યુકેમાં 45 ટકા લોકો એમ માને છે કે વંશીય લઘુમતી સમુદાયોને ટેલિવિઝન પર વધુ પડતું પ્રતિનિધિત્વ અપાઇ રહ્યું છે જ્યારે 26 ટકાનું કહેવું છે કે અમને પુરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ અપાતું નથી. તેવી જ રીતે 44 ટકા બ્રિટિશર એમ માને છે કે ગે, બાયસેક્સ્યુઅલ, લેસ્બિયન અને ટ્રાન્સજેન્ડર લોકોને ટેલિવિઝન પર વધારે પ્રમાણમાં રજૂ કરવામાં આવી રહ્યાં છે.
કેમ્પેન ફોર કોમન સેન્સના રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બીબીસીના કાર્યક્રમો જાણે કે મોટાભાગના દર્શકો બ્રિટનને જાણતા નથી તેવી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે. બીબીસી દ્વારા વંશીય લઘુમતી સમુદાયોને પણ વધારે પડતું મહત્વ અપાઇ રહ્યું છે.
દેશની 500 મોટી બ્રાન્ડના માર્કેટિંગ વિભાગોનું કહેવું છે કે અમે બ્રિટિશ સમાજની વૈવિધ્યતા રજૂ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ જેથી પક્ષપાત ન થાય. પરંતુ કેટલાંકનું એમ પણ કહેવું છે કે અમે ઇરાદાપુર્વક શ્વેત અને સ્ટ્રેટ કપલ્સને અમારી જાહેરાતોમાં ઓછું મહત્વ આપી રહ્યાં છીએ.
યુગવ દ્વારા યુકે, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ચિલી, યુએઇ અને ઓસ્ટ્રેલિયામાં આ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં યુકેમાં બ્રિટિશરો સ્પષ્ટપણે માને છે કે વંશીય લઘુમતી સમુદાયો અને એલજીબીટી સમુદાયોને ટેલિવિઝન પર વધુ પડતું મહત્વ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ફ્રાન્સમાં આવું માનનારાની સંખ્યા ફક્ત 19 ટકા છે. જોકે 33 ટકા એમ પણ માને છે કે અમને ઓછું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે.
બ્રિટનમાં તાજેતરમાં જારી કરાયેલા વસતી ગણતરીના આંકડા અનુસાર 81.7 ટકા લોકો શ્વેત જ્યારે 18.3 ટકા લોકો વંશીય લઘુમતી સમુદાયના છે. 1.6 ટકા લોકો ગે અથવા લેસ્બિયન, 1.3 ટકા બાયસેક્સ્યુઅલ અને 0.3 ટકા ટ્રાન્સજેન્ડર છે.


