લંડનઃ યુકેમાં દાંતની સારવાર કરાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. સરકારી હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટની રાહ જોવામાં પણ લાંબી કતારો લાગે છે છતાં, સારવારની એપોઈન્ટમેન્ટ મળતી નથી. ઈંગ્લેન્ડમાં માત્ર એક તૃતીઆંશ વયસ્કો અને અડધોઅડધ બાળકોને NHS ડેન્ટિસ્ટની સેવા મળી શકે છે. જે લોકો દાંતની ભારે પીડાથી ત્રાસ અનુભવે છે તેમણે મદદ માટે ચેરિટીઝ સંચાલિત ક્લિનિક્સની સેવા મેળવવી પડે છે. અહેવાલો મુજબ પીડાથી મજબૂર એક મહિલાએ જાતે 13 દાંત ખેંચી કાઢ્યાં હતાં.
સરકારી NHS હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટની એટલી અછત છે કે દર્દીને સારવાર વિના જ પરત મોકલી દેવાય છે. લોકો ડેન્ટિસ્ટને મળવા એપોઈન્ટમેન્ટ્સ લે છે અને મુલાકાત માટે સમયસર પહોંચે ત્યારે તેમને એપોઈન્ટમેન્ટ રદ થયાનું જણાવી દેવાય છે. અન્ય દાંત બચાવી શકાય તે માટે લોકો ખુદ પોતાના દાંત ઉખાડી નાખે તેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા લોકોને સખત પીડાના કારણે ઇમર્જન્સીમાં દાખલ કરવાનો પણ વારો આવી રહ્યો છે.
એસોસિયેશન ઓફ ડેન્ટલ ગ્રૂપ્સ (ADG)ના જણાવ્યા અનુસાર 3 મિલિયન લોકો દાંત-મોઢાંની પીડામાંથી પસાર થઈ રહ્યાં છે અને 2 મિલિયનથી વધુ લોકો સારવાર કરાવવા 40 માઈલ જેટલે દૂર પણ જાય છે. દાંતના દુઃખાવા સાથે A&Eમાં જનારી વ્યક્તિએ દર વખતે 400 પાઉન્ડ જેટલો ખર્ચ કરવો પડે છે અને છતાં તેમને માત્ર પેઈનકિલર આપી રવાના કરી દેવાય છે. ચેકઅપ માટે જ 20 પાઉન્ડ લેવાય છે. બાળકોને હોસ્પિટલમાં રાખવા માટેનું સામાન્ય કારણ દાંત કાઢવાનું હોય છે અને NHS તેની પાછળ વાર્ષિક 50 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે. નોર્થ લિંકનશાયર જેવાં વિસ્તારોમાં પ્રતિ 100,000 લોકોએ માત્ર 32 ડેન્ટિસ્ટ છે જ્યાં જૂન 2021 સુધીના 24 મહિનામાં માત્ર 33.1 ટકા વયસ્ક અને 35.3 ટકા બાળકો માટે જ ડેન્ટિસ્ટની મુલાકાત સુલભ બની હતી.


