લંડનઃ ભારતના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે આનંદના સમાચાર છે. જો કોઇ ડોકટર, ડેન્ટીસ્ટ, મિડવાઇફ અને નર્સને બ્રિટન જઇ પ્રેક્ટિસ કે નોકરી કરવી હોય તો તેમના માટે TOEFL કે IELTS જેવી આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ ટેસ્ટ આપવી ફરજિયાત નહિ રહે. હવે સંબંધિત આરોગ્ય ક્ષેત્રમાં નોંધણી કરાવવા ઓક્યુપેશનલ ઇંગ્લિશ ટેસ્ટ (OET) આપવાની રહેશે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી કરાનારી તમામ ટિયર-ટુ (જનરલ) વિઝા અરજીઓ પર લાગુ કરાશે.
OET આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની કસોટી છે જે અંગ્રેજી ભાષાના દેશમાં કે વાતાવરણમાં કામ કરવા ઇચ્છતા વ્યવસાયીઓના અંગ્રેજી ભાષાના જ્ઞાનની ચકાસણી કરે છે. અગાઉ, ઉમેદવારોએ વિઝા માટે અરજી કરતી વેળાએ TOEFL કે IELTS જેવી આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ ટેસ્ટ આપવા ઉપરાંત, બ્રિટનના બે આરોગ્ય બોર્ડ- નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ અને જનરલ મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવવા OET પરીક્ષા આપવી પડતી હતી.
ઓઇટી પરીક્ષાનું સંચાલન કરનાર કેમ્બ્રિજ બોક્સહિલ લેંગ્વેજ એસેટમેન્ટના વડા સુજાતા સ્ટીડે કહ્યું હતું કે,‘ડોકટરો, ડેન્ટિસ્ટ, નર્સ અને મિડવાઈવ્ઝે સબંધિત વ્યવયાસી સંસ્થા દ્વારા સ્વીકૃત અંગ્રેજી ભાષાની પરીક્ષા પસાર કરી હોય તેમને ટિયર-ટુ વિઝા પર યુકેમાં પ્રવેશ અગાઉ અન્ય પરીક્ષા આપવાની ન રહે તેમ યુકે હોમ ઓફિસે સુનિશ્ચિત કર્યું છે’ તેમણે ઉમેર્યું હતું કે,‘ગયા સપ્તાહે જાહેર કરાયેલા ફેરફારથી દેશની હોસ્પિટલો અને મેડિકલ પ્રેક્ટિસીસ તેમના માટે આવશ્યક વ્યવસાયી સ્ટાફ ઝડપથી મેળવી શકશે.’
હેલ્થકેર ક્ષેત્રમાં જે ચોક્કસ પ્રકારની અંગ્રેજી ભાષાની જરૂર રહે છે તેને પહોંચી વળવા ઓક્યુપેશનલ ઇંગ્લિશ ટેસ્ટ (OET)ની રચના કરાઈ હતી. અંગ્રેજી ભાષા બોલાતાં વાતાવરણમાં નોંધણી અને પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હેલ્થકેર પ્રોફેશનલ્સની અંગ્રેજી ભાષાની કુશળતા તેના દ્વારા ચકાસાય છે. કેમ્બ્રિજ બોક્સહિલ લેંગ્વેજ એસેટમેન્ટ (CBLA) દ્વારા સંચાલિત OET પરીક્ષા હેલ્થકેર કોર્સીસમાં એક્ઝિટ કે એન્ટ્રી માટે ઉપયોગમાં લેવાય છે, જેના હેઠળ ડેન્ટિસ્ટ્રી, ડાયાટેટિક્સ, મેડિસીન, નર્સિંગ, ઓક્યુપેશનલ થેરાપી, ઓપ્ટોમેટ્રી, ફાર્મસી, ફીઝિયોથેરાપી, પોડિઆટોરી, રેડિયોગ્રાફી, સ્પીચ પેથોલોજી અને વેટરનરી સાયન્સીસના ૧૨ વ્યવસાયો માટે પરીક્ષા લેવાય છે.
યુકે, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દુબઇ, સિંગાપોર, નામિબિયા ,યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં મોટા ભાગના હલ્થકેર બોર્ડ્સ અને કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશન હેતુઓ માટ અંગ્રેજીમાં કૌશલ્યના પુરાવા તરીકે OET પરીક્ષા માન્ય છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં વિઝા અને ઈમિગ્રેશન હેતુ માટે પણ તેને સ્વીકારાય છે.


