યુકેમાં તબીબી સેવાની કથળેલી હાલતઃ અગ્રણી 10 દેશની યાદીમાં 7મો ક્રમ

Wednesday 27th April 2022 03:28 EDT
 
 

લંડનઃ કેનેડા, જર્મની, ફ્રાન્સ તથા યુએસ સહિતના દેશોની સરખામણીએ બ્રિટનમાં તબીબી સેવાની હાલત ઘણી જ કથળેલી છે. યુકેના દર્દીઓને જનરલ પ્રેક્ટિશનર (GP)ની સેવાઓ ઉપલબ્ધ થવામાં અત્યંત નબળી સ્થિતિનો સામનો કરવો પડતો હોવાનો દાવો એક સર્વેક્ષણમાં કરાયો છે. યુએસની માર્કેટિંગ કન્સલ્ટન્સી કંપની એડેલમેન દ્વારા દસ દેશોમાં 10,000 લોકોના સર્વેક્ષણમાં આ મહત્ત્વનું તારણ છે. દસ દેશોની આ યાદીમાં બ્રિટનનો ક્રમ સાતમો રહ્યો હતો પરંતુ જાપાન, મેક્સિકો તથા દક્ષિણ કોરિયાથી આગળ રહ્યો હતો.

ઉચ્ચ કક્ષાની આરોગ્યસેવાઓની બાબતમાં બ્રિટન (યુ.કે.) હજી કેનેડા, જર્મની, ફ્રાન્સ તથા યુએસથી પાછળ છે. યુએસની માર્કેટિંગ કન્સલ્ટન્સી કંપની એડેલમેન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં લગભગ 60 ટકા બ્રિટિશરોએ જણાવ્યું હતું કે, તેમને આરોગ્યની બાબતમાં ‘ખૂબ સારી’ સેવા મળતી નથી. કેનેડા, જર્મની અને ફ્રાન્સના લોકોએ આ સંદર્ભે આપેલા પ્રતિભાવની ટકાવારી અનુક્રમે 56 ટકા, 55 ટકા અને 51 ટકા રહી હતી.એડેલમેને મતદાતાઓને આરોગ્યલક્ષી પ્રશ્નો સવાલો કર્યા હતા, જેમાં આરોગ્યતંત્ર, નેતાઓમાં ભરોસો તથા સારવારની ઉપલબ્ધતા સહિત પ્રશ્નોનો સમાવેશ થયો હતો.

સર્વેક્ષણમાં દર્શાવાયું છે કે, બ્રિટનમાં સામાન્ય પ્રજાજનોને જનરલ પ્રેક્ટિશનરની રૂબરુ મુલાકાત મેળવવામાં પડતી મુશ્કેલી તેમજ NHSની મોટી પ્રતીક્ષાયાદીનો અર્થ એ થાય કે બ્રિટનમાં આરોગ્યસેવાની બાબતમાં લોકોને પૂરતો સંતોષ નથી અને આરોગ્યસેવાની બાબતમાં યુકે અન્ય દેશોથી ૨૫ વર્ષ પાછળ છે! ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ના ગાળામાં બ્રિટનમાં 6.2 મિલિયન દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં હતા. અન્ય દેશોની સરખામણીએ યુકે માટે આ નબળી સ્થિતિ રહી હતી.

સર્વેક્ષણમાં એવો પણ દાવો કરાયો છે કે, લોકોને આરોગ્ય-સલાહની બાબતમાં સરકારી તંત્ર કરતાં પોતાની નોકરીદાતા કંપની પર વધારે ભરોસો હોય છે. મોટા ભાગના લોકો હવે નોકરીદાતાઓ પાસે જ આરોગ્યસુવિધા માગી રહ્યા છે, અને તેના લીધે ખાનગી હેલ્થકેરના ક્ષેત્રમાં તેજી આવી છે. યુકેમાં ૬૭ ટકા જેટલા કર્મચારીઓ પોતાની કંપનીઓ ‘પોતાને શક્ય તેટલા વધારે તંદુરસ્ત રાખવામાં સાર્થક ભૂમિકા ભજવે’ તેવી ઈચ્છા ધરાવતા હોવાનું પણ સર્વેક્ષણમાં જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter