લંડનઃ યુકેમાં દર સપ્તાહે પાંચ મિલિયન સિંગલ યૂઝ વેપનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે. 2022 પછી સિંગલ યૂઝ વેપના ઉપયોગમાં ચાર ગણો વધારો નોંધાયો છે. તેનો અર્થ એ થયો કે ફેંકી દેવાતા વેપ્સમાં લિથિયમનું એટલું પ્રમાણ હોય છે કે તેમાંથી પ્રતિ વર્ષ 5000 ઇલેક્ટ્રિક કાર માટે બેટરી તૈયાર કરી શકાય. એનજીઓ મટિરિયિલ ફોક્સના રિસર્ચ અનુસાર આ સમસ્યા નિયંત્રણ બહાર ચાલી ગઇ છે. કાઉન્સિલો અને બાળકોના ડોક્ટરો દ્વારા અવાર નવાર વેપ્સ પર પ્રતિબંધની માગ થઇ રહી છે કારણ કે તેનાથી આરોગ્યની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થઇ રહ્યું છે.
એનજીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્કોટ બટલરે જણાવ્યું હતું કે, સિંગલ યૂઝ વેપ્સની સમસ્યા હવે કાબૂ બહાર ગઇ છે. સિંગલ યૂઝ વેપ્સ સૌથી મોટો પર્યાવરણીય કચરો પૂરવાર થઇ રહ્યાં છે. આ અત્યાર સુધીનું સૌથી ભયજનક ઉત્પાદન છે. ફેંકી દેવાયેલા વેપ્સ પર્યાવરણીય કચરો પેદા કરી રહ્યાં છે જે જાહેર સુરક્ષા માટે ખતરનાક છે કારણ કે લિથિયમ બેટરી કચડાય છે ત્યારે તેમાં આગ ફાટી નીકળે છે. વેપ્સને રિસાઇકલ કરવાનો અંદાજિત ખર્ચ 200 મિલિયન પાઉન્ડ છે અને તે વેપના ઉત્પાદકો, આયાતકારો અને છૂટક વિક્રેતાઓ પાસેથી વસૂલવા જોઇએ.


