યુકેમાં દર ૧૧માંથી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે

Tuesday 01st September 2015 07:21 EDT
 
 

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ યુકેમાં રહેતા ૮.૩ મિલિયન લોકો વિદેશમાં જન્મેલા છે. ઈમિગ્રેશનનું પ્રમાણ એટલું છે કે ગયા વર્ષે દેશમાં દર આઠમાંથી એક વ્યક્તિ વિદેશમાં જન્મી હતી. આની સરખામણીએ, ૨૦૦૪માં યુકેની વસ્તીમાં ૧૧માંથી એક વ્યક્તિ યુકેની બહાર જન્મેલી હતી. એક દાયકા અગાઉ પૂર્વ યુરોપિયન કામદારોને અહીં કામ કરવાની મુક્તિ અપાયા પછી આંકડામાં ત્રણ મિલિયનથી વધુનો ઉમેરો થયો છે. યુકેમાં રહેતા, પરંતુ વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં ૨૦૧૩-૨૦૧૪ના ગાળામાં ૪.૫ ટકાની વૃદ્ધિ એટલે કે ૭,૯૨૧,૦૦૦થી વધીને ૮,૨૭૭,૦૦૦ થઈ હતી, જેમાંથી ઈયુ બહારના દેશોના ૫,૨૫૨,૦૦૦ અને ઈયુ દેશોના ૩,૦૨૫,૦૦૦ લોકોનો સમાવેશ થયો છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાં બ્રિટનમાં નહિ જન્મેલા રહેવાસીઓમાં ૫૭.૪ ટકાનો એટલે કે ૩,૦૧૯,૦૦૦નો વધારો થયો હતો.

બ્રિટિશ માતાઓની સરખામણીએ વિદેશમાં જન્મેલી માતાઓનો ફળદ્રુપતા દર વધુ છે.

માઈગ્રન્ટ માતાઓનું પ્રમાણ ૧૯૯૦થી સતત વધતું રહ્યું છે. ગયા વર્ષે કુલ ૨૭ ટકા બાળકોનો જન્મ બ્રિટન બહાર જન્મેલી વિદેશી માતાની કુખે થયો હતો, જે આંકડો ૨૦૧૨માં ૨૬.૫ ટકા હતો. ૧૯૯૦ના દાયકાના આરંભે આ પ્રમાણ ૧૨ ટકાથી પણ ઓછું હતું, પરંતુ ટોની બ્લેર સરકારે ૧૯૯૭ પછી સામુહિક ઈમિગ્રેશનના દ્વાર ખોલી નાખ્યા પછી તેમાં ભારે વધારો થયો છે. હવે જન્મપત્રકમાં માતાની રાષ્ટ્રીયતામાં પોલેન્ડ નામ હોવું સામાન્ય છે, જે હવે પાકિસ્તાન અને ભારતથી આગળ વધી ગયું છે. ૨૦૧૪માં લંડનમાં ૫૮ ટકા નવજાત બાળકોની માતાનો જન્મ વિદેશમાં થયેલો હતો. ઈસ્ટ લંડનના ન્યુહામ બરોમાં તો ૭૬.૭ બાળકોની માતાઓનો જન્મ બ્રિટનની બહાર થયેલો હતો.

માર્ચમાં પૂરા થયેલાં વર્ષ સુધી રોમાનિયા અને બલ્ગેરિયાથી આશરે ૫૩,૦૦૦ કામદારોના બ્રિટનમાં સ્થળાંતર સાથે યુરોપિયન માઈગ્રેશનમાં ભારે ઉછાળો આવ્યો છે, જે સંખ્યા તેની અગાઉના વર્ષમાં ૨૮,૦૦૦ હતી. ઉચ્ચ વેતન સાથેનું બ્રિટિશ અર્થતંત્ર યુરોપના ગરીબ દેશોમાંથી કામદારોને આકર્ષતું રહ્યું છે. ઈમિગ્રેશન થિન્ક ટેન્ક માઈગ્રેશન યુકે દ્વારા વર્ષે ૫૦,૦૦૦ના સ્થળાંતરની આગાહી કરવામાં આવી હતી. યુકેનું નેટ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ના સર્વોચ્ચ વિક્રમે પહોંચી ગયું છે. સામાન્ય રીતે માઈગ્રન્ટ્સના મૂળ દેશો ભારત, પોલેન્ડ, પાકિસ્તાન આયર્લેન્ડ અને જર્મની છે. યુકેમાં ૨૦૧૪માં પોલેન્ડમાં જન્મેલા લોકોની સંખ્યા ૭૯૦,૦૦૦ હતી, જે ૨૦૧૨માં ૬૫૮,૦૦૦ હતી.

યુકે નેશનલ ઈન્સ્યોરન્સ નંબર સહેલાઈથી મળે છે

માઈગ્રન્ટ્સ માટે યુકે નેશનલ ઈન્સ્યોરન્સ (NI) નંબર મેળવવો સહેલો છે. દેશમાં કાયદેસર કામ કરવા અને બેનિફિટ્સ ક્લેઈમ કરવા માટે NI નંબર આવશ્યક ગણાય છે. આના માટે જોબ સેન્ટર ઈન્ટર્વ્યુથી વધુ કશાની જરૂર રહેતી નથી. જૂન મહિના સુધીના એક વર્ષમાં આશરે ૯૧૭,૦૦૦ વિદેશીઓને નેશનલ ઈન્સ્યોરન્સ નંબર અપાયો હતો, જે ગયા વર્ષ કરતા ૬૨ ટકા વધુ છે, જ્યારે

૫૬૫,૭૦૦ વિદેશીને NI નંબર અપાયો હતો. ઈયુ દેશોમાંથી આવેલાં આશરે ૬૯૭,૦૦૦ લોકો અને અન્ય દેશોના ૨૧૮,૦૦૦ નાગરિકોને NI નંબર અપાયો હતો. યુરોઝોનના ગરીબ અર્થતંત્રોના દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી કરવા યુકે આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter