લંડનઃ યુકેમાં કોવિડ-૧૯ના સંક્રમણનો ભોગ બનેલા લોકોની સંખ્યા હાલ એક મિલિયન કરતાં વધુ છે. ૪ જાન્યુઆરીએ એક જ દિવસમાં વિક્રમજનક ૬૦,૯૧૬ કેસ નોંધાયા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સની માહિતી મુજબ અગાઉ સપ્ટેમ્બરમાં દર ૯૦૦ લોકોએ એકથી વધીને દર ૫૦ લોકોમાંથી એકને કોરોના હોવાનું જણાયું હતુ.
ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વડા પ્રધાન બોરિસ જહોન્સને જણાવ્યું કે મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીના ત્રીજા લોકડાઉનમાં દેશ પ્રવેશી રહ્યો હોવાથી આગામી સપ્તાહો ખૂબ લાંબા લાગશે. લંડનમાં દર ૩૦માંથી એક વ્યક્તિ સંક્રમિત હોવાથી લંડનમાં ખાસ કરીને નવા પ્રકારના કોવિડ-૧૯નો સૌથી ઉંચો દર છે.
નવો સ્ટ્રેઈન વધુ ફેલાય તે પહેલા સરકાર વેક્સિનેશનનો પ્રયાસ કરી રહી છે. જહોન્સને એમ પણ જણાવ્યું કે યુકેમાં ૧.૩ મિલિયન લોકોને વાયરસ સામેની રસી આપી દેવાઈ છે, જેમાંથી ૧.૧ મિલિયન લોકો ઈંગ્લેન્ડના છે. તેમાં ૮૦થી વધુની વયના ૬૫૦,૦૦૦ લોકો એટલે કે તે વય જૂથના ૨૩ ટકાને વેક્સિન અપાઈ હતી.
ટોચના ચાર પ્રાયોરિટી ગ્રૂપના લોકોને ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં વેક્સિન અપાશે તેવા વડાપ્રપધાન જહોન્સનના નિવેદનના એક દિવસ પછી આ આંકડા જાહેર થયા હતા. હોસ્પિટલો અને જીપી સર્જરી જેવી ૧,૦૦૦ થી વધુ જગ્યાએ આ વીકના અંત સુધીમાં વેક્સિન પૂરી પડાશે. સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને એક્ઝિબિશન સેન્ટર્સ ખાતે સાત મોટા વેક્સિન સેન્ટર ઉભા કરાશે.


