યુકેમાં દરરોજ ૮,૦૦૦ વિદેશી પર્યટકોને પ્રવેશવા દેવાય છે

Wednesday 07th April 2021 02:43 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોને પ્રવાસ પર પ્રતિબંધ લગાવાયો છે ત્યારે દરરોજ ૮,૦૦૦ વિદેશી પર્યટકોને યુકેમાં પ્રવેશવા દેવાય છે. બોર્ડર ફોર્સના અંદાજ અનુસાર બ્રિટિશ સરહદો પર આવતા ઓછામાં ઓછાં ૨૦,૦૦૦ લોકોના ૪૦ ટકા અથવા ૮,૦૦૦ લોકો રજાઓ માણનારા હોવાનું ધ ટાઈમ્સનો અહેવાલ જણાવે છે.

હોમ ઓફિસ દ્વારા સેંકડો મુલાકાતીઓને હોલિડે વિઝા અપાયા છે. પેરુના એક નાગરિકે તેની વિઝાઅરજીમાં યુકેની મુલાકાત અંગે ‘બિગ બેનની મુલાકાત’નું કારણ દર્શાવ્યું હતું. બોર્ડર ફોર્સના સૂત્રો અનુસાર દરરોજ યુકેની મુલાકાતે આવતા સેંકડો લોકો મુખ્યત્વે બે સપ્તાહની રજાઓ ગાળવા આવતા હોય છે. તેઓ ક્વોરેન્ટાઈન થવાના હોય તે સરનામું, આગમન અગાઉના પરીક્ષણો કરાયા હોય, સર્ટિફિકેટ્સ, રિટર્ન ટિકિટ અને પૂરતાં સાધનો હોય તો તેમને નકારવાનું કોઈ કારણ એજન્સી પાસે રહેતું નથી.

યુકેમાં આવતા અડધોઅડધ લોકો પર્યટક હોય છે પરંતુ, ગેટવિક અને યુરોસ્ટાર ટર્મિનલ્સ પર આ સંખ્યા વધીને ૮૦થી ૯૦ ટકા જેટલી થાય છે. હીથ્રો એરપોર્ટ પર આ પ્રમાણ ૨૦થી ૩૦ ટકાનું હોય છે. વિદેશપ્રવાસ કરવા માટે પ્રતિબંધિત બ્રિટિશરોના ગાલ પર તમાચો છે. બ્રિટિશર આ નિયમનો ભંગ કરે તો તેમને ૫,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે.

યુકેમાં આવતા પ્રવાસીએ તે ક્યાંથી આવે છે તેને ધ્યાનમાં લીધાં વિના પ્રવાસ શરુ કર્યાના ત્રણ દિવસ અગાઉથી વધુ ન હોય તેવા નેગેટિવ કોરોના ટેસ્ટનો પૂરાવો આપવાનો રહે છે. આ ઉપરાંત, તેઓ ક્યાં રહેશે અને ક્વોરેન્ટાઈન કે સેલ્ફ આઈસોલેશનમાં રહેશે તેની વિગતો પણ આપવાની રહે છે. દરમિયાન, હોમ ઓફિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે આ આંકડાઓને માન્ય ગણતી નથી અને બ્રિટનના એરપોર્ટ્સ, ટ્રેઈન સ્ટેશન્સ અને પોર્ટ્સ પર કડક આરોગ્યલક્ષી પગલાંનો અમલ કરાવાઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter