લંડનઃ દેશમાં પોતાની માલિકીની પ્રોપર્ટી ધરાવતી લોકશાહીની રચના કરવાના ડેવિડ કેમરનના વચન સામે સવાલ ઉભા થયા છે. બ્રિટિશ હાઉસિંગ વિશે ઓબ્ઝર્વર દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું હતું કે લગભગ દસમાંથી ચાર લોકો માને છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય મકાનમાલિક નહીં બની શકે.
સર્વે મુજબ ૬૯ ટકા લોકો માને છે કે દેશ હાઉસિંગ કટોકટીમાં સપડાઈ ગયો છે. ૭૧ ટકા જેટલા આશાસ્પદ પ્રોપર્ટી માલિકો પરિવારના સભ્યોની આર્થિક સહાય વિના પોતે મકાન ખરીદી નહીં શકે તેમ માને છે. લગભગ ૬૭ ટકા લોકોને ક્યારેક તો પોતાનું મકાન ખરીદવાની ઈચ્છા છે. કેટલાક લોકો મકાન ન ખરીદવાનું પોતાના માટે સારું રહેશે તેમ માને છે. અન્ય ૨૬ ટકા લોકોનું માનવું છે કે મકાન લેતા તેમને પાંચ વર્ષ લાગશે.
એફોર્ડેબલ હોમ્સની અછત અને સોશિયલ હાઉસિંગ માટે વધી રહેલી માગ વચ્ચે અડધાથી વધુ બ્રિટનવાસીઓ ઈમિગ્રેશન અને યુકે પ્રોપર્ટીમાં વિદેશી રોકાણને પ્રોપર્ટીના લોકોની પહોંચથી વધી ગયેલા ભાવ માટે જવાબદાર પરિબળ ગણાવે છે.


