લંડનઃ યુકેમાં ઇદ, દિવાળી, વૈશાખી અને રોશષ હાશાનાહ જેવા બિનખ્રિસ્તી તહેવારોની જાહેર રજા માટે ઘણા વર્ષોથી માગ કરવામાં આવી રહી છે. 2014માં આ માટે કરાયેલી પીટિશન પર 120,000 લોકોએ હસ્તાક્ષર કર્યાં હતાં અને કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને તે સમયે સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ તહેવારો માટે જાહેર રજા ઘોષિત કરવાથી બ્રિટન હિન્દુ અને મુસ્લિમ ધર્મોને પણ માન્યતા આપે છે તેવું પૂરવાર થશે અને સમુદાયો વચ્ચેની સમજણ વધારવામાં મદદ મળશે. જોકે તત્કાલિન સરકારે આર્થિક ચિંતાઓ વ્યક્ત કરીને આ પીટિશન ફગાવી દીધી હતી. સરકારે જણાવ્યું હતું કે, એક વધારાની જાહેર રજાથી અર્થતંત્રને 2.3 બિલિયન પાઉન્ડનું નુકસાન થશે.
2018માં પણ આ માટે બે અલગ અલગ પીટિશન કરાઇ હતી. તે સમયે હેરોના લેબર સાંસદ ગેરેથ થોમસે ઇદ, દિવાળી અને યહૂદીઓના યોમ કિપુર તહેવારો માટે જાહેર રજાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લઘુમતી ધાર્મિક સમુદાયો તેમની કિંમત થઇ રહી હોવાની અનુભૂતિ ઇચ્છે છે. સરકાર જે આર્થિક નુકસાનના આંકડા આપી રહી છે તે શું સાચા છે. તે સમયે પણ સરકારે નમતું જોખ્યું ન હતું.
2024માં સમગ્ર યુકેમાં કરાયેલા એક સરવેમાં 87 ટકા બ્રિટિશ મુસ્લિમ યુવાનોએ ઇદની જાહેર રજાને સમર્થન આપ્યું હતું. હેરોમાં મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ અને શીખ લોકો વસવાટ કરે છે. ઘણાનું માનવું છે કે બિનખ્રિસ્તી તહેવારોને માન્યતા આપવાનો સમય આવી ગયો છે.