યુકેમાં નર્સની અછતઃ વિદેશીઓની વિઝાઅરજીને પણ પ્રાથમિકતા

Tuesday 20th October 2015 09:11 EDT
 
 

લંડનઃ યુકે NHSમાં નર્સીસની અછત વધવાના કારણે હંગામી ધોરણે નર્સ વ્યવસાયને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં દાખલ કરવામાં આવનાર છે. આના પરિણામે, યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારના વિદેશી અરજદારોની વિઝાઅરજીને પણ પ્રાથમિકતા મળશે. સરકારની ઈમિગ્રેશન નીતિમાં આ નાટ્યાત્મક પલટો જણાયો છે. હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે એજન્સીના વર્કરો પરના ખર્ચામાં ભારે કાપના પગલે NHSનું દબાણ ઘટાડવા આ પગલું લેવાયું છે.

સમગ્ર NHS વ્યવસ્થામાં કામદારોની ભારે અછતને ધ્યાનમાં લઈ બ્રિટનમાં નર્સીસના પ્રવાહને અટકાવતાં નિયમનો ઉઠાવી લેવાયાં છે. સ્વતંત્ર માઈગ્રેશન એડવાઈઝરી કમિટી દ્વારા આગામી ફેબ્રુઆરી સુધીમાં સમીક્ષા રિપોર્ટ ન અપાય ત્યાં સુધી નર્સને કામચલાઉ ધોરણે સરકારના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. આનો અર્થ એ છે કે યુકેમાં નર્સિંગ પોસ્ટ માટે યુરોપીય આર્થિક વિસ્તાર બહારના દરિયાપારના અરજદારોની અરજીઓ પ્રાથમિકતા ધોરણે આગળ વધશે. ડોક્ટરો અને નર્સીસની અછતને પહોંચી વળવા NHS દ્વારા ગયા વર્ષે એજન્સી વર્કરો પાછળ વિક્રમી ૩.૩ બિલિયન ખર્ચવામાં આવ્યાં હતાં.

આ પગલું ટોરી સરકારની નીતિના ઉલટા બદલાવનું છે. જૂના નિયમો હેઠળ બ્રિટનમાં કામ કરતી ૩૦,૦૦૦ જેટલી વિદેશી નર્સની હકાલપટ્ટી કરવામાં આવનાર હતી. રોયલ કોલેજ ઓફ નર્સીસ દ્વારા ચલાવાયેલાં અભિયાનને સફળતા સાંપડી છે. બીજી તરફ, બ્રિટિશ નર્સની સંખ્યા વધારવા હેલ્થ એજ્યુકેશન ઈંગ્લેન્ડ દ્વારા બે વર્ષમાં નર્સ તાલીમ બેઠકોમાં ૧૪ ટકા વધારો કરાયો છે અને ૨૦૧૯ સુધીમાં વધારાની ૨૩,૦૦૦થી વધુ નર્સ કાર્યરત થવાની આગાહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter