લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસને અનુલક્ષી Hi Chai! UKWelcomesModi ચાય પાર્ટીઓનું આયોજન કરાઈ રહ્યું છે. અત્યારે ૨૦ શહેરો અને નગરો તેમાં સામેલ થયાં છે. આ ચાય પાર્ટીઓમાં સ્થાનિક કોમ્યુનિટીઓ દ્વારા ચાવીરૂપ વિષયો તેમ જ મોદીજી મહારાણી અને વડા પ્રધાન કેમરનને મળે ત્યારે શા મુદ્દા ઉઠાવવા જોઈએ તેની ચર્ચા શરૂ કરાઈ છે.
ચાય પાર્ટીઓનું આયોજન કરાયું છે તેમાં લંડન, કાર્ડિફ, બેડફર્ડ, લેસ્ટર, બ્રેડફર્ડ, માન્ચેસ્ટર, ન્યુકેસલ, બર્મિંગહામ, લુટન, લેમિંગ્ટન સ્પા, બ્રિસ્ટલ, નુનેટન, નોટિંગહામ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. [email protected] નો સંપર્ક સાધી વધુ માહિતી પ્રાપ્ત કરી શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બરમાં યુકેની મુલાકાત અગાઉ ભારતીય સમુદાય અને બ્રિટનસ્થિત તેમના મિત્રો દ્વારા જોરદાર તૈયારીના ભાગરૂપે શનિવાર, ૧૦ ઓક્ટોબરે મોદી એક્સપ્રેસ બસનો કાફલો લોન્ચ કરાયો હતો. આ ૩૦ બસના કાફલાએ સેન્ટ્રલ લંડનના લેન્ડમાર્ક્સ ઉપરાંત યુકેના વિવિધ કોમ્યુનિટી સંગઠનોની પણ મુલાકાત લીધી છે, જેનું પ્રથમ સ્ટોપ ‘લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ઈલિંગ રોડ, વેમ્બલી હતું , જ્યારે દિવાળીની ઉજવણી ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરાશે.
આયોજક સમિતિના મયુરી પરમારે જણાવ્યું હતું કે,‘ભારતમાં ચાય પે ચર્ચા જોવા મળી હતી. હવે યુકેમાં આપણને બસ પે ચર્ચા જોવા મળશે.’ શ્રીફળ વધેરી બસનું ઉદ્ઘાટન કરાયા પછી લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, ‘આ બસનું લોન્ચિંગ યુકે અને ભારત દ્વારા સકારાત્મક હેતુ દ્વારા લોકોને નિકટ લાવવાનું વધુ એક ઉદાહરણ છે. આપણે નવેમ્બરમાં વડા પ્રધાન મોદીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે મોટી સંખ્યામાં આપણી કોમ્યુનિટીઓનાં સભ્યોને હાજર જોઈ મારો ઉત્સાહ પણ વધ્યો છે. યુકેમાં દેખાતાં ‘મોદી મેનિયા’ને ટેકો આપવા અને તેમાં ભાગ લેવાની ઘણા લોકોને તક મળશે તેની મને આશા છે.’
સાંસદ કિથ વાઝે લેસ્ટરથી તેમની સાથે મોદી એક્સપ્રેસ બસમાં જોડાવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. લંડનના બરો બ્રેન્ટ કાઉન્સિલના નેતા મુહમ્મદ બટે પણ વડા પ્રધાન મોદીને બ્રેન્ટમાં આવકારવાની ઉત્સુકતા દર્શાવી હતી. તમામ કોમ્યુનિટીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. લોન્ચિંગ કાર્યક્રમમાં લંડન એસેમ્બલીના સભ્ય નવીન શાહ, યુકેમાં સૌથી નાની વયના બ્રિટિશ ભારતીય કાઉન્સિલર કૃપા શેઠ અને કૃપેશ હિરાણી પણ ઉપસ્થિત હતા.