લંડનઃ યુકેમાં પહેલીવાર સફળતાપુર્વક ગર્ભાશયનું પ્રત્યારોપણ કરાતાં હવે માતૃત્વ ઝંખી રહેલી હજારો બ્રિટિશ મહિલાઓ માટે નવી ક્ષિતિજો ખુલી ગઇ છે. 40 વર્ષીય એક મહિલાએ તેની નિઃસંતાન નાની બહેનને પોતાના ગર્ભાશયનું દાન કર્યું છે. ગર્ભાશયનું દાન કરનારી આ મહિલા બે સંતાનની માતા છે. તેની નાની બહેન કેટલીક શારીરિક ખામીના કારણે માતા બનવાની ક્ષમતા ધરાવતી નહોતી.
ઓક્સફર્ડની ચર્ચિલ હોસ્પિટલ ખાતે દાતા મહિલાના શરીરમાંથી ગર્ભાશય બહારકાઢવા અને તેની નાની બહેનના શરીરમાં પ્રત્યારોપિત કરવા માટેની આ સર્જરી 17 કલાક ચાલી હતી. આઠ સર્જન અને તેમના અન્ય મેડિકલ સહયોગીઓની બે ટીમ દ્વારા આ સર્જરી સફળતાપુર્વક પાર પડાઇ હતી. આ સર્જરીમાં જોડાયેલા સર્જનોએ જણાવ્યું હતું કે, અમારી ધારણા કરતાં સર્જરી લાંબો સમય ચાલી હતી પરંતુ સર્જરી સફળ રહી છે અને પ્રત્યારોપિત કરાયેલું ગર્ભાશય સંપુર્ણ કાર્યરત છે.
ગર્ભાશયનું દાન મેળવનાર 34 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે હું મારો પરિવાર શરૂ કરવા માગતી હતી પરંતુ ગર્ભાશયના અભાવે હું લાચાર હતી. હવે હું સંતાનપ્રાપ્તિ માટે ઘણી ઉત્સુક છું. મારા ડોક્ટરોએ મને જણાવ્યું છે કે હું ઇચ્છું એટલાં સંતાનને જન્મ આપી શકું છું.


