લંડનઃ યુકેમાં પહેલીવાર નેશનલ હિન્દુ એનએચએસ નેટવર્કની શરૂઆત કરાઇ છે જે અંતર્ગત એનએચએસમાં કામ કરતા હિન્દુ કર્મચારીઓને સહાય અને હિન્દુ દર્દીઓ, કેર વર્કર્સ અને તેમના પરિવારજનોને મદદ કરાશે. હિન્દુઓની આધ્યાત્મિક ઓળખ, સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે સમગ્ર એનએચએસમાં સ્ટાફ અને દર્દીઓને મદદ કરવા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટી લીડર્સે નવી પહેલ કરી છે.
હિન્દુ એનએચએસ નેટવર્કના સ્થાપક અને સહસંયોજક ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જ્યારે સ્ટાફ અને દર્દીઓની ઓળખનું સન્માન થતું અનુભવે છે ત્યારે સારવારની ગુણવત્તા, સુરક્ષા અને હેલ્થકેરમાં ભરોસામાં પણ સુધારો થતો હોય છે. હિન્દુઓ એનએચએસમાં પોતાને હિન્દુ કહેવડાવતાં ડરતાં હોય છે. અમે તેમને તેમ કરવા હિંમત આપવા ઇચ્છીએ છીએ.
સ્થાપક સભ્ય ડો. શિવ પાંડેએ જણાવ્યું હતું કે, એનએચએસમાં હિન્દુ સંસ્કૃતિ અને આસ્થાની સમજણનો સંપુર્ણ અભાવ છે. ગયા વર્ષે હું પોતે એનએચએસની હોસ્પિટલમાં હતો ત્યારે મને નોન હલાલ ફૂડ મેળવવામાં મુશ્કેલી પડી હતી. હિન્દુઓ નોન હલાલ ફૂડ ખાતા નથી.
આ નેટવર્ક દ્વારા હોસ્પિટલો અને હોસ્પાઇસમાં તાલીમબદ્ધ હિન્દુ ચેપ્લિન ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક છે. જેઓ એનએચએસ ટ્રસ્ટોને યોગ્ય અંતિમવિધિ, પૂજા અને રિવાજોમાં સલાહ આપી શકે. હોસ્પિટલોમાં હિન્દુ પવિત્ર ગ્રંથો ઉપલબ્ધ કરાવવા, પૂજાની સામગ્રી, પૂજાના રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પણ લક્ષ્યાંક છે.
નેટવર્ક દ્વારા એનએચએસની હોસ્પિટલોમાં શાકાહારી અને સાત્વિક ભોજનને પ્રોત્સાહન આપવાનું કામ કરાશે. તે ઉપરાંત એનએચએસમાં દિવાળી અને હોળી જેવા તહેવારોની ઉજવણી કરાશે.હિન્દુ સ્ટાફ તેમના તહેવારોની રજા લઇ શકે તે માટે પણ પ્રયાસો કરાશે.
એનએચએસમાં ઘણા હિન્દુ ડોક્ટર, નર્સ, પોર્ટર, મેનેજર, એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરે છે તેમ છતાં લીડરશિપમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. નેટવર્ક દ્વારા કેરિયર ડેવલપમેન્ટ વર્કશોપ અને મેન્ટરશિપ પ્રોગ્રામોનું પણ આયોજન કરાશે.
આ નેટવર્કના પ્રારંભ ટાણે હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે પ્રવચન આપ્યું હતું.


