લંડનઃ આર્થિક સંકટમાંથી ઉગરવા માટે પીઝા હટ દ્વારા ફાઈનાન્સિયલ એડવાઈઝરો સાથે વાટાઘાટો હાથ ધરાઈ હતી. તેના પરિણામે યુકેમાં પીઝા હટના સેંકડો આઉટલેટ્સ બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. પીઝા હટે નાદારી કરારની શક્યતાઓની ચકાસણીની કામગીરી અલ્વારેઝ એન્ડ એએમપી માર્સલ એડવાઈઝર્સને સોંપી છે. આ કરાર થાય તો હજારો કર્મચારીઓ નોકરી ગુમાવશે.
સૂત્રો મુજબ કરાર વિશે હજુ આખરી નિર્ણય લેવાયો નથી. પરંતુ, કંપની વોલન્ટરી એરેન્જમેન્ટ (CVA) અલગ શક્યતા છે. કંપની નાદારી નોંધાવે તો રિસ્ટ્રક્ચરિંગ પ્લાનના ભાગરૂપે તેની કેટલી શાખાઓને અસર થશે અથવા કેટલા કર્મચારીઓ નોકરી ગુમાવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
૨૯ જુલાઈએ પીઝા હટ દ્વારા જણાવાયું હતું કે તેની ૨૧૩ રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો માટે ૧૦ ઓગસ્ટ સુધીમાં શરૂ થશે અને બાકીની તે પછી શક્ય તેટલી વહેલી ખૂલશે. યુકેમાં હાલ પીઝા હટની કુલ ૨૪૪ શાખા અને ૫,૭૦૦ કર્મચારીઓ છે. જોકે, આ પગલાંની યુકેમાં આવેલી ૩૮૦ પીઝા હટ ડિલીવરી શાખાઓ પર કોઈ અસર નહીં પડે કારણ કે તે પીઝા હટ રેસ્ટોરન્ટ્સની માલિકીની છે, જે અલગ છે.