યુકેમાં પેશન્ટ પાસપોર્ટ તૈયાર કરવા જોરદાર હિમાયત

દર્દી મેડિકલ રેકોર્ડ જોઇ શકે, એપોઇન્ટમેન્ટ લઇ શકે, પ્રિસ્ક્રિપ્શન ઓર્ડર કરી શકે, ટેસ્ટ રિઝલ્ટ જોઇ શકે અને ડોક્ટરનો સંપર્ક કરી શકે તેવી એપ તૈયાર કરવા ભલામણ

Tuesday 06th February 2024 11:03 EST
 

લંડનઃ ટાઇમ્સ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર એનએચએસના દરેક દર્દીની આરોગ્ય અંગેની માહિતી એક જ સ્થળે ડિજિટલી સ્ટોર કરવી જોઇએ જેથી દર્દીની સારવાર કરનાર કોઇપણ ડોક્ટર દર્દીના રેકોર્ડ ગમે ત્યાં જોઇ શકે. દર 10માંથી 8 વ્યક્તિ પેશન્ટ પાસપોર્ટ તૈયાર કરવાની તરફેણ કરી રહી છે જેના દ્વારા વ્યક્તિના મેડિકલ રેકોર્ડ આખું જીવન ટ્રેક કરી શકાય તેવી સિસ્ટમ ઉપલબ્ધ થાય. આ સિસ્ટમ તમામ જીપી, એનએચએસ હોસ્પિટલ, ફાર્મસી અને સોશિયલ કેરને ઉપલબ્ધ બને.

ટાઇમ્સ હેલ્થ કમિશન રિપોર્ટમાં કરાયેલી 10 ભલામણો પૈકીની પહેલી ભલામણ અનુસાર ટેકનોલોજીમાં હેલ્થ કેરમાં ધરમૂળથી બદલાવની ક્ષમતા છે. ટેકનોલોજી દ્વારા એનએચએસના વિવિધ વિભાગો વચ્ચે મુક્તપણે માહિતીની આપલે આડે આવતા અવરોધો ધરાવતી સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ કરી શકાય.

એક સરવે અનુસાર 81 ટકા જનતા આ પ્રકારની વ્યવસ્થાની તરફેણ કરી રહી છે. 89 ટકા દર્દીઓ કગે છે કે તેમને તેમના પોતાના મેડિકલ રિપોર્ટ ઓટોમેટિક ઉપલબ્ધ થાય તે પ્રકારના ડિજિટલ હેલ્થ એકાઉન્ટ તૈયાર કરવા જોઇએ. આ માટે એનએચએસ દ્વારા એક એપ તૈયાર કરવી જોઇએ જેથી દરેક દર્દી તેના મેડિકલ રેકોર્ડ જોઇ શકે, એપોઇન્ટમેન્ટ લઇ શકે, પ્રિસ્ક્રિપ્શન ઓર્ડર કરી શકે, ટેસ્ટ રિઝલ્ટ જોઇ શકે અને ડોક્ટરનો સંપર્ક પણ કરી શકે.

આ પ્રકારની સિસ્ટમ સ્પેન, સિંગાપોર, ઇસ્ટોનિયા, ઇઝરાયેલ અને ડેન્માર્કમાં ઉપલબ્ધ છે. જેના કારણે દર્દીઓને પોતાના અધિકાર મળે છે અને ડોક્ટરોને લાલ ફિતાશાહીમાંથી મુક્તિ મળે છે. હાલમાં એનએચએસ પાસે પણ 40થી 60 અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક પેશન્ટ રેકોર્ડ ઉપલબ્ધ છે.

એનએચએસ વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં હું નિષ્ફળ રહ્યો છુઃ સુનાક

વડાપ્રધાન રિશી સુનાકે સ્વીકાર્યું છે કે તેઓ એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગયા વર્ષે સુનાકે જણાવ્યું હતું કે, એનએચએસમાં વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો મારી ટોચની પાંચ પ્રાથમિકતા પૈકીની એક છે. જોકે આ માટે તેમણે કોઇ સમય મર્યાદા આપી નહોતી પરંતુ તેઓ સ્વીકારે છે કે લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. એક ઇન્ટર્વ્યુમાં સુનાકે જણાવ્યું હતું કે, અમે આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી શક્યાં નથી. શું તમે તમારું વચન પાળવામાં નિષ્ફળ રહ્યાં છો તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે હા અમે નિષ્ફળ રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter