લંડનઃ યુકેમાં સૌપ્રથમવાર 3 વ્યકતિના ડીએનએ ધરાવતા બાળકનો જન્મ થયો છે. આ બાળકના મોટા ભાગના ડીએનએ તેના માતાપિતામાંથી મેળવવામાં આવ્યા હતા જ્યારે 0.1 ટકા ડીએનએ એક દાતા મહિલામાંથી લેવાયા હતા. આ ટેકનિક દ્વારા ગંભીર બિમારીઓ સાથે જન્મતા બાળકોને અટકાવી શકાશે. વિશ્વમાં અત્યારસુધીમાં આ પ્રકારના પાંચ બાળકના જન્મ થયાં છે પરંતુ તેમના અંગે વધુ વિગતો જારી કરાઇ નથી.
નવજાત બાળકોમાં જોવા મળતા મિતોકોન્ડ્રીયલ રોગો બાળકના જન્મના થોડા જ કલાકો અથવા તો દિવસોમાં ઘાતકી નીવડી શકે છે. આ રોગના કારણે ઘણા પરિવારો સંખ્યાબંધ બાળકો ગુમાવી દે છે. તેથી એક તંદુરસ્ત બાળક માટે આવા માતાપિતાને આ ટેકનિક આશીર્વાદરૂપ બની રહેશે.
ખામીયુક્ત મિતોકોન્ડ્રીયાના કારણે બાળકના શરીરમાં શક્તિ રહેતી નથી જેના કારણે તેના મગજને નુકસાન પહોંચે છે, સ્નાયુઓનું ખવાણ થાય છે, હૃદય બંધ પડી શકે છે અને અંધત્વ પણ આવી શકે છે. આ બિમારીનો વારસો માતાના જિન્સ અથવા તો ડીએનએમાંથી જ મળે છે. તેથી મિતોકોન્ડ્રીયલ ડોનેશન ટ્રીટમેન્ટ આઇવીએફનું જ સુધારેલું સ્વરૂપ છે જેમાં તંદુરસ્ત મહિલા દાતાના અંડકોષમાંથી મિતોકોન્ડ્રીયાનો ઉપયોગ કરાય છે.


