લંડનઃ યુકેમાં હવાના પ્રદૂષણના કારણે દર સપ્તાહે 500 કરતાં વધુ લોકોના મોત થઇ રહ્યાં છે અને દેશના અર્થતંત્ર પર પ્રતિ સપ્તાહ 500 મિલિયન પાઉન્ડનો બોજો પડી રહ્યો છે તેમ રોયલ કોલેજ ઓફ ફિઝિયન્સે જણાવ્યું છે. આરસીપીના જણાવ્યા અનુસાર દેશની 99 ટકા વસતી શ્વાસમાં ઝેરી હવા લઇ રહી છે તેના કારણે શરીરના તમામ અંગોને નુકસાન થઇ રહ્યું છે.
આરસીપીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવાના પ્રદૂષણનું જાહેર આરોગ્ય પરનું જોખમ અગાઉ માનવામાં આવતું હતું તેના કરતાં ઘણું વધુ છે. તેનાથી નાગરિકો, સમાજ, અર્થતંત્ર અને એનએચએસ પર ગંભીર અસરો થઇ રહી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝેરી હવાના કારણે કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, માનસિક બીમારી અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે. હવાના પ્રદૂષણના કારણે યુકેમાં પ્રતિ વર્ષ 30,000 લોકોના મોત થાય છે અને અર્થતંત્રને 27 બિલિયન પાઉન્ડનું નુકસાન થાય છે. જો ડિમેન્શિયા જેવા રોગોની અસરો પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ નુકસાન 50 બિલિયન પાઉન્ડ પર પહોંચે છે. હવાના પ્રદૂષણના કારણે સરેરાશ આયુષ્યમાં 1.8 વર્ષનો ઘટાડો થઇ રહ્યો છે.