યુકેમાં પ્રવાસીઓ માટે ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન ફરજિયાત કરાયું

Friday 29th May 2020 00:02 EDT
 
 

લંડનઃ જુનના આરંભથી બંદર કે એરપોર્ટ્સથી યુકેમાં પ્રવેશતા બ્રિટિશ નાગરિક સહિત કોઇ પણ વ્યક્તિને ૧૪ દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહિ કરનારને ૧૦૦૦ પાઉન્ડનો દંડ કરવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે લોકો ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનનું પાલન કરે છે કે નહિ તેની ચકાસણી કરવા પોલીસ દરરોજ આવા પેસેન્જર્સના ઘરની મુલાકાત પણ લેશે. સરકારના આ નિર્ણયની એરલાઇન અને પ્રવાસન ઉદ્યોગે ટીકા કરી છે.

બ્રિટનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ છે ત્યારે સરકારે સુરક્ષાના નવા નિયમો લાગુ કર્યા છે. શુક્રવારે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેરાત કરી હતી કે હવે વિદેશથી બંદરો કે એરપોર્ટ્સ દ્વારા બ્રિટન આવનારાને ૧૪ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. એકાંતવાસનો ઈનકાર કરનારા પ્રવાસીને યુકેમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાશે. જો આઈસોલેશનનો ભંગ કરાશે તેનો ૧,૦૦૦ પાઉન્ડનો દંડ વસૂલાશે.

કેબિનેટ મિનિસ્ટર બ્રાન્ડોન લેવિસે જણાવ્યું હતું કે પ્રવાસીઓને તેમની સંપર્ક વિગતો સાથે ફોર્મ ભરાવાશે અને આરોગ્ય અધિકારીઓ નિયમનું ઓન ધ સ્પોટ પાલન કરાવશે. ક્વોરન્ટાઈનનું યોગ્ય રીતે પાલન કરાય તેના પર નજર રાખવા પોલીસ દરરોજ ૧૦૦ પ્રવાસીના ઘરની તપાસ કરશે. નવા નિયમ દેશમાં પાછા ફરનારા બ્રિટિશ મૂળના લોકો પર પણ લાગુ થશે. જોકે, ફૂડ જેવા મહત્ત્વના પુરવઠા ખોરવાય નહિ તે માટે ટ્રક ડ્રાઈવર્સને નિયમોમાં મુક્તિ અપાશે. યુકેમાં સત્તાવાર પ્રવેશ નહિ કરતા ટ્રાન્ઝીટ પેસેન્જર્સ અને ફળફળાદિ-શાકભાજી ચૂંટનારા પણ નિયમમુક્ત રહેશે.

આ ક્વોરેન્ટાઈન પ્લાન યુકેમાં વાઈરસના નવા કેસીસ આવતા અટકાવવા માટે છે અને દર ત્રણ સપ્તાહે તેની સમીક્ષા કરાશે. જોકે, ઉનાળાના વેકેશન અગાઉ તેને ઉઠાવી લેવાય તેવી શક્યતા ન હોવાથી યુરોપમાં વેકેશન ગાળવા જવાની બ્રિટિશરોની ઈચ્છા પર પાણી ફરી વળશે તેમ જણાય છે. સ્પેને જુલાઈ મહિનાથી બ્રિટિશ પર્યટકોને ૧૪ દિવસના એકાંતવાસ કે ક્વોરેન્ટાઈન વિના આવકારવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે.ઈટાલીના એરપોર્ટ્સ પણ ૩ જૂનથી ખુલી રહ્યાં છે અને ઈયુ પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન લાગુ કરાશે નહિ. જોકે, યુકે ઈટાલીથી આવતા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન પડતું મૂકે તો જ બ્રિટિશરોને તેનો લાભ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter