લંડન
2025 સુધીમાં યુકેની તમામ સરહદોનું સંપુર્ણપણે ડિજિટલાઇઝેશન કરવાના પ્રયાસ અંતર્ગત યુકે આવતા તમામ પ્રવાસીઓએ દેશમાં પ્રવેશ માટે નવી ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ પરમિટ મેળવી લેવાની રહેશે. આ નિર્ણયનો અમલ ટૂંકસમયમાં કરાશે. આ નિયમ વિઝા ફ્રી પ્રવાસની પરવાનગી ધરાવતા અમેરિકન નાગરિકોને પણ લાગુ પડશે. યુકે સરકારે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસની તારીખ હજુ જાહેર કરી નથી. અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે, ઇટીએ સિસ્ટમ 2023ના અંત સુધીમાં સંપુર્ણપણે કાર્યરત થઇ જશે.
યુકે સરકારના જણાવ્યા અનુસાર એકવાર ઇટીએ લાગુ થતાં જ યુકેમાં પ્રવેશવા ઇચ્છતા અથવા તો ટ્રાન્ઝિટ કરી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પરમિટ મેળવી લેવાની રહેશે. બ્રિટનમાં વિઝા વિના પ્રવેશી શક્તા દેશોના નાગરિકોએ પણ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન પ્રાપ્ત કરવાનું રહેશે. યુકેમાં પર્યટન, બિઝનેસ, ટૂંકાગાળાના એજ્યુકેશન કે મેડિકલ સારવાર માટે આવતા પ્રવાસીઓ માટે પણ ઇટીએ ફરજિયાત રહેશે.
ઉપરોક્ત કેટેગરીમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ યુકેના પ્રવાસ પહેલાં ઓનલાઇન અરજી કરવી પડશે. તેમાં પાસપોર્ટ, પ્રવાસની વિગતો, ઇમેલ એડ્રેસ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી આપવાની રહેશે. જો તેમાં કોઇ ચૂક થશે તો ઇટીએ રિજેક્ટ પણ થઇ શકે છે.
અરજીનો નિકાલ 48થી 72 કલાકમાં થઇ જશે. આ ઇટીએ યુકેમાં વિઝા ફ્રી ટ્રાવેલ માટે 180 દિવસ અથવા 6 મહિના માટે માન્ય રહેશે. સરકારના જણાવ્યા અનુસાર ઇટીએ કોઇ વિઝા નથી પરંતુ યુરોપ, અમેરિકા અને કેનેડાના પ્રવાસીઓએ યુકેમાં પ્રવેશ માટે ઇટીએ લેવું ફરજિયાત રહેશે.
ઇટીએ માટે કેટલી ફી વસૂલવામાં આવશે તે હજુ નક્કી કરાયું નથી પરંતુ તેના માટે 5 થી 21 ડોલરની ફી રખાય તેવી સંભાવના છે. જોકે યુકે સરકારે આ નીતિનો ચોક્કસ ક્યારથી અમલ કરાશે તે અંગે તારીખ જાહેર કરી નથી.


