લંડનઃ યુકેની વોર્વિક યુનિવર્સિટીના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અનંત સુદર્શને યુકેમાં પ્રોફેસરોને ચૂકવાતા ઓછા વેતનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, આના કરતાં તો ભારતમાં સરકારી યુનિવર્સિટી વધારે વેતન ચૂકવે છે. ઓછા વેતનના કારણે મારે ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.
સુદર્શને જણાવ્યું હતું કે, યુકેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેસરોને પણ અત્યંત ઓછું વેતન ચૂકવાય છે. જેના કારણે ભારત જેવા દેશોમાંથી આવી શકે તેવા નિષ્ણાત પ્રોફેસરો આપણે ગુમાવી રહ્યાં છીએ. આમ તો ભારતને ઓછાં વેતન ધરાવતો દેશ ગણવામાં આવે છે અને ત્યાં કર્મચારીઓના વેતન ઘણાં ઓછાં હોય છે.
સુદર્શને સોશિયલ મીડિયા એક્સ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ માટે યુકેમાં ચૂકવાતા વેતન મજાક બની રહ્યાં છે. હું યુકેમાં વિદ્વાન વ્યક્તિઓને નિયુક્ત કરવામાં નિષ્ફળ જઇ રહ્યો છું કારણ કે ભારતની સરકારી યુનિવર્સિટી તેમને યુકે કરતાં વધુ વેતન ચૂકવે છે. ઓછા વેતનના કારણે હાઇ પોટેન્શિયલ ઇન્ડિવિડ્યુઅલ વિઝા સ્કીમ પણ નિષ્ફળ જઇ રહી છે.
સુદર્શનની આ પોસ્ટ પર વંશીય ટિપ્પણીઓની ભરમાર ચાલી છે. એક્સના યૂઝર્સે કોમેન્ટ્સમાં જણાવ્યું હતું કે, તમે ભારત પાછા જતા રહો અથવા તો ખાલી જગ્યાઓ પર યુકેના નાગરિકોની ભરતી કરો. આ વંશીય ટિપ્પણીઓ દર્શાવે છે કે યુકે અને યુરોપના અન્ય દેશોમાં ઇમિગ્રન્ટ વિરોધી નારાજગીમાં વધારો થઇ રહ્યો છે.

