લંડનઃ યુકેમાં ફરી શોપ્સ શરૂ થતાં વધી ગયેલી માગને લીધે જૂનમાં રિટેઈલ વેચાણમાં સતત વધારો નોંધાયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જણાવાયું હતું કે ગયા મહિને માલસામાનના વેચાણમાં ૧૩.૯ ટકાનો વધારો નોંધાયો હતો. ઓનલાઈન વેચાણમાં પણ ભારે વધારો થયો હતો. ગ્રાહકો દ્વારા ખર્ચાયેલા દર ૧૦માંથી ૩ ઓનલાઈન ખરીદીમાં વપરાયા હતા. ફૂડ સ્ટોર્સમાં પણ માગ વધુ રહી હતી અને મહામારીના સમયગાળામાં તેની માગ પણ નવા સ્તરે પહોંચી હતી.
ફેબ્રુઆરીની સરખામણીમાં જૂનમાં રિટેઈલ વેચાણ ૫.૩ ટકા વધુ અને નોન-સ્ટોર રિટેઈલ વેચાણ વધીને ૫૩.૬ ટકા થયું હતું. કોરોના મહામારીને લીધે મોટાભાગે શોપ્સ બંધ કરાતા એપ્રિલમાં વેચાણમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો. જોકે, મેમાં વેચાણમાં આંશિક સુધારો નોંધાયો હતો. ONS દ્વારા જણાવાયું હતું કે વેચાણમાં ઉછાળાને લીધે રિટેઈલ વેચાણનું સ્તર લોકડાઉન અગાઉ જે હતું તે સ્તરે આવી ગયું છે. જોકે, અલગ અલગ પ્રકારના સ્ટોર્સમાં વેચાણનું ચિત્ર ‘મિશ્ર’ હતું.
જૂનમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને ક્લોથ શોપ્સ સહિત નોન-ફૂડ સ્ટોર્સના વેચાણમાં લોકડાઉન સમયના ઘટાડા સામે આંશિક સુધારો થયો હતો પરંતુ, તે ફેબ્રુઆરીના વેચાણ કરતાં હજુ ૧૫ ટકા ઓછો હતો. ૧૫ જૂન સુધી નોન-એસેન્શિયલ શોપ્સ ખોલવાની મંજૂરી અપાઈ ન હતી તેથી તેમને કામકાજ માટે માત્ર ૧૫ દિવસ જ મળ્યા હતા. ONS દ્વારા જણાવાયું હતું કે મુસાફરીના નિયંત્રણો હળવા કરાયા પછી મે અને જૂનમાં ફ્યુઅલ વેચાણમાં આંશિક વધારો થવા છતાં તે નીચલા સ્તરે જ રહ્યું હતું.