લંડનઃ થિન્કટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વાર્ષિક ‘લો પે બ્રિટન’ રિપોર્ટ અનુસાર સરકારની ફર્લો સ્કીમ સપ્ટેમ્બર પૂર્ણ થયા પછી ઓછું વેતન મેળવતા વર્કર્સને નોકરી ગુમાવવા કે છટણીના સૌથી વધુ જોખમનો સામનો કરવો પડશે. આ જોખમની સૌથી ગંભીર અસર સૌથી ઓછો પગાર ધરાવતા હોસ્પિટાલિટી, રિટેઈલ અને આનંદપ્રમોદ-મનોરંજન જેવા ક્ષેત્રોના લોકોને થશે.
થિન્કટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ કટોકટીની સૌથી વિપરીત અસર ઓછું વેતન મેળવતા કામદારોને થઈ છે. ઊંચા વેતન ધરાવતા વર્કર્સની સરખામણીએ ત્રણ ગણી નકારાત્મક અસરનો તેમને સામનો કરવો પડ્યો છે. માર્ચ ૨૦૨૧માં નીચાં વેતનસ્તરમાં રહેલા ૨૧ ટકા વર્કર્સે તેમની નોકરીઓ ગુમાવી હતી, ઓછા કલાક કામ કરતા હતા અથવા તેમને ફર્લો પર મૂકાયા હતા. આની સામે ઊંચા પગાર સાથેના માત્ર ૭ ટકાને આવી અસર થઈ હતી.
સરકારની કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમમાં ફર્લો હેઠળના કામદારોના ૮૦ ટકા વેતનની ચુકવણી કરાય છે. આ યોજના થકી લાખો નોકરીઓનું નુકસાન અટકાવી શકાયું છે પરંતુ, સપ્ટેમ્બર મહિનાના અંતે ફર્લો સ્કીમ બંધ થશે ત્યારે કેટલી નોકરીઓ બચાવી શકાશે તે પ્રશ્ન છે. જાન્યુઆરી ૨૦૨૧માં ૫.૧ મિલિયન કર્મચારી ફર્લો પર હતા તેની સરખામણીએ ૩૦ એપ્રિલના રોજ ૩.૪ મિલિયન લોકો ફર્લો પર હતા.
ઓછું વેતન મેળવતા મોટા ભાગના વર્કર્સ હોસ્પિટાલિટી અને રિટેઈલ સેક્ટર્સમાં છે જે બિઝનેસીસ હાલમાં જ ખૂલ્યા છે અને ઘણાએ તો સ્ટાફની અછત હોવાનું પણ જણાવ્યું છે. હોસ્પિટાલિટી સેક્ટરમાં માર્ચના અંતે પૂર્ણ અથવા અંશતઃ ફર્લોનો દર ૫૮ ટકા હતો જે એપ્રિલના અંતે ઘટીને ૪૮ ટકા થયો છે જેને સારી નિશાની ગણાવી શકાય.