યુકેમાં ફુગાવો 7 ટકાના વિક્રમી સ્તરેઃ જીવનનિર્વાહ કટોકટી વધુ ગંભીર

Wednesday 20th April 2022 02:53 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં માર્ચ મહિનાનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશન- ગ્રાહક ભાવાંક અથવા રિટેઈલ ફુગાવો ભારે ઉછાળા સાથે ત્રણ દાયકામાં 7 ટકાના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો છે. આના પરિણામે, જીવનનિર્વાહ કટોકટીને હળવી બનાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાક પર દબાણ વધી ગયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના પરિબળોથી વિશ્વભરમાં ફુગાવાનું જોર વધ્યું છે.

બ્રિટનનો રિટેલ ફુગાવો માર્ચમાં વધીને 7 ટકા સાથે 30 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ અગાઉ 1992ના માર્ચમાં ફુગાવાનું આ સ્તર જોવા મળ્યું હતું. વર્તમાન મહિનાના ફેબ્રુઆરીમાં ફુગાવો 6.20 ટકા રહ્યો હતો. માર્ચનો ફુગાવો અર્થશાસ્ત્રીઓની 6.70 ટકાની ધારણા કરતાં વધુ છે. સૌથી વધુ ફુગાવો પેટ્રોલ, ફૂડ તથા ફર્નિચરના ખર્ચમાં થયો છે. ફુગાવાના ઊંચા દરને કારણે પરિવારોના જીવનનિર્વાહ ખર્ચમાં વધારો થયો છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી બ્રિટનમાં પણ વ્યાજ દરમાં વધારો હવે નિશ્ચિત છે. યુક્રેન પર રશિયાએ 24 ફેબ્રુઆરીના કરેલા આક્રમણ બાદ એનર્જીના ભાવ વધી રહ્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ આગામી બેઠકમાં વ્યાજ દર જે હાલમાં 0.75 ટકા છે તે વધારી એક ટકો કરશે તે હવે નિશ્ચિત હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.

આ ડેટા જાહેર થયા પછી ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે,‘હું જાણું છું કે ઘણાં પરિવારો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે અને તેથી જ આ ફાઈનાન્સિયલ વર્ષમાં આશરે 22 બિલિયન પાઉન્ડ જેટલો સપોર્ટ પૂરો પાડીને બોજો હળવો કરવાની કામગીરી અમે હાથ ધરી છે.’ રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કના સીનિયર ઈકોનોમિસ્ટ જેક લેસ્લીએ જણાવ્યું હતું કે હવે સુનાક વધુ કરવાના દબાણ હેઠળ આવશે. છેલ્લા એક વર્ષથી બ્રિટનમાં ફુગાવાનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વના અન્ય વિક્સિત દેશો પ્રમાણે જ બ્રિટનમાં ફુગાવો વધી રહ્યો છે. એનર્જીના ભાવ વધી રહ્યા છે અને કોરોનાની મહામારી દરમિયાન ઊભી થયેલી પૂરવઠા સાંકળની સમસ્યાઓ હજુ પણ પ્રવર્તી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter