યુકેમાં ફ્રેકિંગ પર પ્રતિબંધ મૂકાયો

પ્રતિબંધ પર્યાવરણવાદીઓ અને કોમ્યુનિટી કર્મશીલો માટે વિજયસમાન

Wednesday 06th November 2019 01:48 EST
 
 

લંડનઃ ટોરી સરકારે મહત્વના નિર્ણયમાં યુકેમાં તત્કાળ અસરથી ફ્રેકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. વિવાદાસ્પદ ઉત્ખનન પ્રક્રિયા પરનો પ્રતિબંધ પર્યાવરણવાદીઓ અને કોમ્યુનિટી કર્મશીલો માટે વિજયસમાન છે. શેલ ગેસ કંપનીઓને ભાવિ ફ્રેકિંગ પ્રોજેક્ટ્સને ટ્કો નહિ અપાવાની જાહેરાતથી ફોસિલ ઓઈલ ઈન્ડસ્ટ્રીમાં વિકાસની નવી ક્ષિતિજો નિહાળી રહેલી કંપનીઓને આંચકો વાગ્યો છે. ફ્રેકિંગને વિકાસનો માર્ગ ગણાવતી બોરિસ સરકારનો આ નિર્ણય નાટ્યાત્મક વળાંક જેવો છે.

નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં સ્પષ્ટ કરાયું હતું કે ગેસ અને તેલ કાઢવાની સાઈટ્સ નજીક રહેતા લોકો માટે ખરાબ પરિણામોની શક્યતા નકારી શકાય તેમ નથી. ઓઈલ એન્ડ ગેસ ઓથોરિટીના આ રિપોર્ટમાં ચેતવણી સાતે જણાવાયું હતું કે ફ્રેકિંગના કારણે સંભવિત ધરતીકંપની માત્રા કેવી અને કેટલી હશે તેની આગાહી કરવી શક્ય નથી. હાઈડ્રોલિક ફ્રેક્ચરિંગ તરીકે પણ ઓળખાતી પ્રક્રિયામાં ભૂગર્ભમાં છીછરાં ખડકોને તોડવામાં ભારે દબાણ સાથે પાણી, કેમિકલ્સ અને રેતીનું પમ્પિંગ કરવામાં આવે છે જેના પરિણામે નીચે દબાયેલાં ઓઈલ અને ગેસ બહાર લાવી શકાય છે.

સરકારે જણાવ્યું છે કે ફ્રેકિંગ સલામત હોવાં વિશે નવી ટેકારુપ સાબિતીઓ મળી શકે નહિ ત્યાં સુધી તે ભાવિ કોઈ પણ ફ્રેકિંગ પ્રક્રિયા માટે સંમત થશે નહિ. યુકેની એકમાત્ર સક્રિય પ્રેકિંગ સાઈટ લેન્કેશાયરની પ્રેસ્ટન ન્યૂ રોડ પર છે. અહીં ઊનાળામાં ફ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન સરકારની ધરતીકંપ મર્યાદાઓનો ભંગ કરતી અનેક ધ્રૂજારીઓ જણાયા પછી તત્કાળ કામકાજ અટકાવી દેવાયું હતું. બિઝનેસ એન્ડ એનર્જી સેક્રેટરી આન્દ્રેઆ લીડસોમે જણાવ્યું હતું કે યુકેમાં છીછરાં જળમાંથી ગેસની શોધખોળ સલામત હોવી જોઈએ તે માટે સરકાર હંમેશાં સ્પષ્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter