લંડનઃ યુકેના સરેરાશ વર્કરને બાર વર્ષ અગાઉ મળતા પગારની સરખામણીએ હાલ ઓછો પગાર મળતો હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટામાં જણાવાયું છે. બીજી તરફ, સ્ત્રી-પુરુષને મળતા પગારમાં તફાવત હજુ પણ ઊંચો જ રહ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પગાર સ્થગિત રહ્યો છે અને બ્રેક્ઝિટના કારણે સર્જાયેલા ફૂગાવાથી ખર્ચશક્તિ ઘટવાથી વાસ્તવિક પગાર નીચો રહેશે.
સત્તાવાર આંકડા અનુસાર, સરેરાશ ફૂલ-ટાઈમ વર્કરને ૨૦૦૪માં પ્રતિ સપ્તાહ ૫૫૫ પાઉન્ડ પગાર મળતો હતો, જે હવે ફૂગાવાને ધ્યાનમાં લીધાં પછી પ્રતિ સપ્તાહ ૫૩૯ પાઉન્ડ (વાર્ષિક ૨૮,૦૨૮ પાઉન્ડ) મળે છે. આ વર્ષે ૧.૯ ટકાનો પગારવધારો મળવા છતાં, ૨૦૦૯માં પ્રાપ્ત સર્વોચ્ચ કમાણીની સરખામણીએ ૨૦૧૬ની સરેરાશ વાર્ષિક કમાણી આશરે ૧,૬૦૦ પાઉન્ડ ઓછી છે.
ગયા વર્ષે અન્ય કોઈ જૂથ કરતા પણ સૌથી ઓછો પગાર મેળવનારાની કમાણી ૫.૯ ટકા વધી હતી, જેનાથી વેતન અસામાનતામાં નજીવો ઘટાડો થયો હતો. ONS દ્વારા જણાવાયું હતું કે ૧ એપ્રિલે નેશનલ લિવિંગ વેજ દાખલ કરાયાના પગલે આ સ્થિતિ આવી હતી. સ્ત્રી-પુરુષને મળતા પગારમાં તફાવત ૯.૬ ટકાથી નજીવો ઘટી ૯.૪ ટકા થયો છે, જે ૧૯૯૭ પછી સૌથી નીચો છે.


