યુકેમાં બિનઈયુ દેશોમાંથી વિક્રમી ઈમિગ્રેશનઃ વિદ્યાર્થીઓનો સિંહફાળો

Sunday 31st May 2020 23:55 EDT
 
 

લંડનઃ ઈયુ બહારના દેશોમાંથી યુકેમાં ઈમિગ્રેશન તેની સર્વોચ્ચ સપાટીએ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડામાં જણાવાયું છે. ભારત, ચીન અને ફિલિપાઈન્સ સહિત સાઉથ અને ઈસ્ટ એશિયામાંથી માઈગ્રન્ટ્સ સંખ્યા વધતી જ રહી છે. જેનાથી ગત વર્ષે બિનઈયુ દેશોથી સમગ્રતયા આગમનનાં આંકડો ૪૦૪,૦૦૦ સુધી પહોંચ્યો છે. ONS દ્વારા ૧૯૭૫માં રેકોર્ડ્ઝ રાખવાની શરુઆત કરાઈ ત્યારથી આ સૌથી મોટી વિક્રમી સંખ્યા છે. ભારતીયો, નાઈજિરિયન્સ અને ફિલિપિન્સને જારી કરાયેલા વર્ક વિઝામાં  પણ નોંધપાત્ર વૃદ્ધ થઈ છે. 

બિનઈયુ નાગરિકોને જારી કરાયેલા નેશનલ ઈન્સ્યુરન્સ નંબર્સની સંખ્યા માર્ચ સુધીના વર્ષમાં ૧૦૦,૦૦૦ના વધારા સાથે ૩૩૦,૦૦૦ થઈ છે, જે ૧૮ વર્ષમાં સૌથી મોટી વાર્ષિક વૃદ્ધિ છે. ડિપાર્ટમેન્ટ ફેર વર્ક એન્ડ પેન્શન્સના જણાવ્યા મુજબ ભારત, પાકિસ્તાન, નાઈજિરિયા, ઘાના અને તુર્કીના નાગરિકો દ્વારા રજિસ્ટ્રેશનમાં વધારાના કારણે આમ થયું છે. ડિસેમ્બર સુધીના એક વર્ષમાં સમગ્રતયા બિનઈયુ નેટ માઈગ્રેશન (આવનારા અને જનારા વચ્ચેનો તફાવત)નો આંકડો ૨૮૨,૦૦૦ રહ્યો હતો જે, સાત વર્ષથી વધતો જ રહે છે. આનાથી વિપરીત, ગત વર્ષે નેટ ઈયુ માઈગ્રેશન ઘટીને ૪૯,૦૦૦ રહ્યું હતું જે, આંકડો ૨૦૧૫-૧૬માં  ૨૦૦,૦૦૦ની ટોચે હતો. ગયા વર્ષે બ્રિટિશ નાગરિકો યુકેમાંથી ગયા તેની સરખામણીએ અંદાજે વધુ ૨૭૦,૦૦૦ બ્રિટિશર યુકે પરત ફર્યા હતા.

બિનઈયુ માઈગ્રન્ટ્સ માટે યુકે આવવાનું સૌથી સામાન્ય કારણ અભ્યાસ-શિક્ષણનું છે. માર્ચ સુધીના એક વર્ષમાં ચીનના વિદ્યાર્થીઓ માટે ૧૮ ટકાના વધારા સાથે ૧૧૮,૦૦૦ સ્ટડી વિઝા અપાયા હતા જ્યારે ભારતીય વિદ્યાર્થીઓને ૧૩૬ ટકાના વધારા સાથે ૪૯,૦૦૦ વિઝા અપાયા હતા. ૨૦૨૩થી કામ માટે યુકે આવતા બિનઈયુ નાગરિકોમાં વધારો થતો રહ્યો છે. હોમ ઓફિસના આંકડા મુજબ ઈયુ બહારના દેશોમાંથી આઈગ્રન્ટ્સને કામ સંબંધિત ૧૯૪,૦૦૦ વિઝા આપવામાં આવ્યા હતા જે,૧૩ વર્ષમાં સૌથી વધુ છે. જોકે, હોમ ઓફિસે માર્ચ મહિનામાં ચીનની અરજીઓ ઘટી હોવાનું જણાવવા સાથે કોવિડ-૧૯ની વર્ક અને અભ્યાસની અરજીઓ પર અસર થયાનું પણ સ્પષ્ટ કર્યું છે.

પ્રસિદ્ધ કરાયેલા અન્ય આંકડામાં નિષ્ફળ એસાઈલમ સીકર્સ, ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને વિદેશી અપરાધી નાગરિકોને માર્ચ સુધીના વર્ષમાં પાછા મોકલવાની સંખ્યા ઘટી હોવાનું દર્શાવાયું છે. ફરજિયાત દેશપાર કરાયેલા માઈગ્રન્ટ્સની સંખ્યા ૮,૬૦૦થી ઘટીને ૬,૭૦૦ થઈ છે જે ૨૦૦૪માં શરુ થયેલા રેકોર્ડ્ઝમાં સૌથી ઓછી છે. બીજી તરફ, સ્વેચ્છાએ દેશપાર થયેલા લોકોની સંખ્યા પણ ૧૪,૨૦૦થી ઘટીને ૧૦,૪૦૦ થઈ હતી. વિદેશી અપરાધી નાગરિકોને દેશનિકાલ કરવામાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter