લંડનઃ ૫૧ ટકા લોકો ઈયુમાં રહેવાની અને ૪૯ ટકા લોકો ઈયુના સભ્યપદ વિશે બીજા રેફરન્ડમની તરફેણમાં હોવાનું ICM દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું હતું. ૫,૦૭૫ લોકો પૈકી ૩૪ ટકા લોકો આ મુદ્દો ફરી ઉખેડવાની વિરુદ્ધમાં હતા. ૧૯ ટકાએ કોઈ અભિપ્રાય આપ્યો ન હતો. બીજા રેફરન્ડમની તરફેણમાં ૧૬ પોઈન્ટ વધારે રહ્યા હતા. અગાઉ ઈયુ છોડવા માટે મતદાન કરનારા લોકોએ પણ બીજા રેફરન્ડમની તરફેણ કરી હતી.
બ્રિટનમાં બ્રેક્ઝિટ હજુ પણ ચર્ચાનો મુદ્દો છે અને તે મામલે દેશ હજુ પણ વિભાજીત હોવાનું આ સર્વેથી સ્પષ્ટ થાય છે. વધુમાં, બ્રેક્ઝિટને લીધે થયેલા આર્થિક નુક્સાન અંગે પણ લોકોની ચિંતા વધી રહી છે. ઓછી બહુમતી ધરાવતા લોકો માને છે કે તેની બ્રિટિશ જીવન પદ્ધતિ પર નકારાત્મક અસર થશે.
બ્રેક્ઝિટ છોડવા માટે મત આપનારા નવ ટકા લેબર મતદારો હવે ઈયુમાં રહેવામાં માને છે અને દેશના અન્ય ભાગો કરતા જે મતવિસ્તારોમાં લેબરનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યાં બીજા રેફરન્ડમને ભારે સમર્થન આપ્યું હતું.
યુવા મતદારો ઈચ્છે છે કે બ્રિટને ઈયુમાં રહેવું જોઈએ. જ્યારે મોટી વયના મતદારો ઈયુ છોડવાની તરફેણમાં હતા. તેવી જ રીતે સ્કોટલેન્ડના મતદારો ઈયુની તરફેણમાં જ્યારે વેલ્સ અને મીડલેન્ડ્સના મતદારો ઈયુ છોડવાની તરફેણમાં હતા.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્ક જેવા ઈયુના સિનિયર નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે યુકે ઈયુમાં રહેવા માગતું હોય તો બ્રસેલ્સ હજુ પણ તેના માટે ખૂલ્લું છે.


