યુકેમાં બેડની ભારે તંગીઃ વૃદ્ધ દર્દીઓ ભગવાન ભરોસેઃ વેન્ટિલેટર્સનું પણ રેશનિંગ?

Monday 30th March 2020 05:53 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસની મહામારીના કારણે ૨૦૯ મોતના વધારા સાથે મૃતાંક ૧૨૨૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૪૮૩ના વધારા સાથે ૧૯૫૨૨ના આંકડે પહોંચી છે ત્યારે કોના જીવનની રક્ષા કરવી તેવાં પ્રશ્નો કરાઈ રહ્યા છે. કહેવાય છે કે લંડનની હોસ્પિટલમાં જે પેશન્ટ્સ જીવી શકે તેવી સંપૂર્ણ શક્યતા હોય તેને જ વેન્ટિલેટર મશીન પર રખાઈ રહ્યા છે. આમ, દેશમાં વેન્ટિલેટર્સનું રેશનિંગ શરૂ થઈ ગયું છે. જોકે, ટ્રસ્ટ દ્વારા આનો ઈનકાર કરાયો છે. શનિવાર, ૨૮ માર્ચે ૨૬૦ના મોતની સરખામણીએ ૨૯ માર્ચે ૨૦૯ના મોત થયા હતા. સમગ્ર વિશ્વમાં કુલ ૭૨૨,૦૦૦ કેસમાંથી ૩૪,૦૦૦ના મૃત્યુ થયા છે તેની સામે ૧૫૧,૧૨૮ પેશન્ટ્સ સાજા પણ થયા છે. બ્રિટનમાં ૧૨૭,૭૩૭ લોકોનું PCR (પોલીમરેઝ ચેઈન રીએક્શન) તરીકે ઓળખાતા સ્વેબ ટેસ્ટથી પરીક્ષણ કરાયું છે. રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં કોવિડ-૧૯થી વધુ ૧૦ના મોત સાથે મૃતાંક ૪૬ થયો છે.

બેડની ભારે તંગીઃ વૃદ્ધ દર્દીઓ ભગવાન ભરોસે  

બ્રિટનમાં હવે કોરોના વાઈરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાં બેડની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને હોસ્પિટલોના આઈસીયુમાં જગ્યા નહિ હોય. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે, બ્રિટનમાં લંડન કોરોનાનું એપીસેન્ટર બની રહ્યુ છે. લંડનમાં ચાર દિવસમાં ઈન્ટેન્સિવ કેર બેડ સંપૂર્ણપણે ભરાઈ જશે. બ્રિટનમાં ૧૪ જ દિવસમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. દેશની હોસ્પિટલ્સ પાસે આઈસીયુમાં બેડ ઓછા પડવાના છે. યુકેના નોર્થ ઈસ્ટ, યોર્ક શાયર અને નોર્થ વેસ્ટ વિસ્તારને છોડીને તમામ વિસ્તારોમાં આઈસીયુમાં બેડની અછત સર્જાશે.

ડેઈલી ટેલિગ્રાફ અખબારે હેરોમાં નોર્થ વિક પાર્ક હોસ્પિટલની એક નર્સના હવાલાથી અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, તેને નિર્દેશ અપાયા છે કે કોવિડ-૧૯ના બહુ ગંભીર હાલતમાં હોય તેવા વૃદ્ધ દર્દીઓને મરવા માટે છોડી દેવાય. ઈટાલીની જેમ આ પ્રકારના લોકોના વેન્ટિલેટર હટાવી દેવામાં આવે, જેથી વધુને વધુ યુવાનોને બચાવી શકાય. આ બીમારીથી શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી વેન્ટિલેટરની જરૂર પડે છે. ઈટાલીની જેમ લંડનમાં પણ વૃદ્ધ લોકોને વેન્ટિલેટરની સુવિધા બંધ કરી શકાય છે. આ સિનિયર નર્સે કહ્યું છે કે, અમારી પાસે પૂરતા સંસાધનો નથી, જેથી અમે કારમાં વોર્ડ બનાવ્યા છે. આ કારણસર અમે હોસ્પિટલની બહાર પણ લોકોની સારવાર કરી શકીએ છીએ.

લંડનની હોસ્પિટલમાં જે પેશન્ટ્સ જીવી શકે તેવી સંપૂર્ણ શક્યતા હોય તેને જ વેન્ટિલેટર મશીન પર રખાઈ રહ્યા છે. ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર NHS ટ્રસ્ટ દ્વારા ડેઈલી ટેલિગ્રાફને અપાયેલી માહિતી અનુસાર પેશન્ટ્સની શ્વસનક્રિયા ચાલુ રાખે તેવા વેન્ટિલેટર્સની અછતના કારણે નહિ પરંતુ, માત્ર તબીબી કારણોસર જ તેના ઉપયોગનું નિયમન કરાય છે.  હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટે અખબારને જણાવ્યું હતું કે, ‘અમે આ રોગ વિશે વધુ જાણતા જઈએ છીએ તેમ કયા પેશન્ટની ગણતરી ક્રિટિકલ કેર માટે કરવી તેની વધુ કાળજી લેવાય છે. સામાન્ય સંજોગોમાં લોકોને શંકાનો લાભ અપાય છે. આ ઈન્ફેક્શનમાં તમારે થોડા સપ્તાહ વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે. આટલા લાંબા સમય સુધી સ્રોતોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે વ્યક્તિ સાજો થશે તે ધ્યાનમાં લેવું પડે છે. તેમના મોતને બે કે ત્રણ સપ્તાહ લંબાવવું તે પણ સમાજના હિતમાં નથી.’

જોકે, ટ્રસ્ટના મેડિકલ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે,‘અમારા ટ્રસ્ટમાં ક્ષમતાના આધારે પેશન્ટ્સના વેન્ટિલેશનનો નિર્ણય ક્લિનિશિયન્સના હાથમાં નથી. જે વેન્ટિલેશનની જરૂરિયાત ધરાવતા પેશન્ટ્સ માટે અમારી પાસે સારી ક્ષમતા છે અને તે ક્ષમતા વધારવાનું આયોજન પણ અમલી બનાવી દેવાયું છે.’ NHSના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘લંડનમાં સેંકડો અને દેશભરમાં હજારો ક્રિટિકલ બેડ્સ હાજર છે અને કોઈ પણ પેશન્ટ તેમને જરૂરી સારવાર-કાળજી મેળવી શકે છે.’ NHSના નેશનલ ડાયરેક્ટર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસ સામે લડી રહેલા મેડિકલ સ્ટાફને ૧૭૦ મિલિયન માસ્ક, ૨૫ મિલિયન ગ્લોવ્ઝ અને ૩૦ મિલિયન એપ્રન્સ મોકલી અપાયાં છે.

હેલ્થકેર ડેટા કંપનીએ આગાહી કરી છે કે યુકેમાં કુલ ૧.૬ મિલિયન લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોઈ શકે ત્યારે સરકારના એપિડેમિઓલોજી સલાહકાર પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે બ્રિટિશરોએ લગભગ ત્રણ મહિના સુધી ઘરમાં રહેવાની ફરજ પડશે અને ઓક્ટોબર સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. લોકડાઉનની અસરકારકતા દર્શાવવા અને જનતાના ગૂંચવાડાને દૂર કરવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા ૩૦ મિલિયન પરિવારોને અંદાજે ૮.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે પત્રો મોકલાઈ રહ્યા છે. બીજી તરફ, ઈંગ્લેન્ડમાં ૨૯ માર્ચે સૌથી વધુ ૧૯૦ મોત, સ્કોટલેન્ડમાં એક, નોર્ધર્ન આયર્લેન્ડમાં છ અને વેલ્સમાં ૧૦ મોત નોંધાયા હતા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter