લંડનઃ યુકે સમગ્ર યુરોપમાં ૪.૮ ટકાનો સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે. નવેમ્બર ૨૦૧૬ સુધીના ત્રિમાસિક ગાળામાં યુકેમાં બેરોજગારોની સંખ્યા ૫૨,૦૦૦ના ઘટાડા સાથે ૧.૬ મિલિયન થઈ છે, જે ૨૦૦૬ પછી સૌથી તળિયે છે. રોજગારી દર વિક્રમી ૭૪.૫ ટકા કહ્યો છે. આની સાથે નવેમ્બર સુધીના ૧૨ મહિનામાં સરેરાશ કમાણીમાં ૨.૮ ટકાનો પણ ઉછાળો નોંધાયો હતો, જે બ્રિટિશ અર્થતંત્રની મજબૂતાઈની નિશાની દર્શાવે છે.
બ્રિટન બ્રેક્ઝિટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ આંકડા વડા પ્રધાન થેરેસા મે માટે પ્રોત્સાહક બની રહેશે. કામકાજમાં જોડાયેલા લોકોની સંખ્યા ૯,૦૦૦ના નજીવા ઘટાડા સાથે ૩૧.૮ મિલિયન રહી છે. બીજી તરફ, આર્થિક રીતે નિષ્ક્રિય ગણાયેલા લોકોની સંખ્યા ૨૦૧૪ પછી સૌથી વધુ ૮૫,૦૦૦ના ત્રિમાસિક વધારા સાથે આશરે ૮.૯ મિલિયનના આંકડે પહોંચી છે. આ આંકડામાં વિદ્યાર્થીઓ, પરિવારની સંભાળ લેતાં લોકો, લાંબી મુદતની બીમારીની રજાઓ પરના લોકો અથવા નોકરીની શોધ કરવાનું છોડી દેનારા લોકોનો સમાવેશ પણ થાય છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર કુલ રોજગારી ૭૪.૫ ટકા સાથે સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જ્યારે ૬૯.૧ ટકા મહિલા રોજગારી ધરાવે છે, જે ૧૯૭૧માં રેકોર્ડ શરૂ કરાયા તે પછી સૌથી વધુ ટકાવારી છે. અન્ય આંકડામાં પૂર્ણકાલીન કાર્યની શોધ કરનારા ૧.૧૫ મિલિયન લોકો પાર્ટ-ટાઈમ નોકરીમાં જોડાયેલાં છે. સમગ્ર અર્થતંત્રમાં ખાલી નોકરીઓની સંખ્યા ૫,૦૦૦ના ઘટાડા સાથે ૭૪૮,૦૦૦ની થઈ છે.


