યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા 4 વર્ષની ટોચે પહોંચ્યો

2025ના પ્રથમ 3 મહિનામાં બેરોજગારીનો દર 4.5 ટકા થયો

Tuesday 13th May 2025 11:21 EDT
 
 

લંડનઃ યુકેમાં બેરોજગારીનો દર વધીને છેલ્લા 4 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2025ના પ્રથમ 3 મહિનામાં બેરોજગારીનો દર 0.2 ટકા વધીને 4.5 ટકા થયો હતો. આ આંકડો 2021 પછીનો સૌથી ઊંચો આંકડો છે. એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ અને નેશનલ લિવિંગ વેજમાં વધારા બાદ બેરોજગારીમાં વધારો થયો છે.

ઓએનએસે જણાવ્યું હતું કે, એપ્રિલના અંતે પૂરા થયેલા 3 મહિનામાં ખાલી નોકરીઓની સંખ્યામાં 5.3 ટકાનો ઘટાડો થયો હતો.આ સમયગાળામાં 7,61,000 નોકરી ખાલી હતી જે અગાઉના વર્ષ કરતાં 1,31,000નો ઘટાડો દર્શાવે છે.

આંકડા અનુસાર પગારમાં વધારો પણ ઘટ્યો છે. માર્ચ સુધીના પ્રથમ 3 મહિનામાં નિયમિત આવકમાં 5.6 ટકાનો વધારો થયો હતો જે અગાઉના 3 માસ કરતાં 5.9 ટકા ઓછો હતો. પગાર વધારામાં ઘટાડો બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગયા સપ્તાહમાં વ્યાજદર ઘટાડીને 4.25 ટકા કરવાના નિર્ણયને યોગ્ય ઠરાવશે.

અર્થશાસ્ત્રી થોમસ પુહે જણાવ્યું હતું કે, લેબર માર્કેટ ઘટી રહ્યું છે. પેરોલ જોબ્સમાં 47,000 સુધીનો ઘટાડો થયો છે. સ્ટીવન ઇવાન્સ કહે છે કે રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરોમાં સૌથી વધુ નોકરીઓ ઘટી છે.આ બે સેક્ટર એવા છે જેમાં સૌથી ઝડપથી પગાર વધારો થતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter